ચીનની અવળચંડાઇઃ અરુણાચલ અને લદ્દાખ ક્ષેત્રમાં ચીની જવાનોની હલચલ વધી

Wednesday 05th January 2022 07:39 EST
 
 

નવી દિલ્હીઃ ચીન દ્વારા સરહદી ક્ષેત્રમાં આડોડાઈ શરૂ કરાઇ છે. એક તરફ પેંગોગ સરોવર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે વર્ષમાં કરેલી અવળચંડાઈને સુધારવાની બેઠકો કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ એલએસી ઉપર જવાનો ખડકી રહ્યું છે. ભારતીય સરહદી ક્ષેત્રમાં ચીનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. ચીને એલએસી ક્ષેત્રમાં ૬૦ હજાર જવાનો ખડક્યા હોવાના અહેવાલ છે. એટલું જ નહીં, દક્ષિણ તિબેટનો ભાગ ગણાવતા અરુણાચલ પ્રદેશના ૧૫ સ્થળોના નામ બદલ્યા બાદ ફરી એક વખત અરુણાચલ પ્રદેશની બુમ લા ઘાટીમાં ભારતીય અને ચીની સૈન્ય જવાનો આમનેસામને આવી ગયાના પણ અહેવાલ છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે ચીને હવે નવો સરહદીય કાયદો લાગુ કરતાં ઉત્તરીય સરહદે ભારતની સમસ્યાઓ વધી જશે.

અરુણાચલ ક્ષેત્રમાં જવાનો આમનેસામને
ચીન અરુણાચલ પ્રદેશ પર દાવો કરી રહ્યું છે એવા સમયે એક વીડિયો વાઈરલ થયો છે, જે અરુણાચલની બુમ લા ઘાટીનો હોવાનું કહેવાય છે. ૧૯૬૨ના યુદ્ધ દરમિયાન આ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું. આ વિસ્તારમાં ભારતીય સૈન્ય અને આઈટીબીપીના જવાનો ૨૪ કલાક સુરક્ષા માટે તૈનાત રહે છે. વાઈરલ વીડિયોમાં નાની નદીની એક બાજુ ભારતીય જવાનો અને બીજી બાજુ ચીની સૈનિકો ઊભા રહીને વાતચીત કરતા જોવા મળે છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ ભારતીય સૈન્યના એક અધિકારીએ ચીની સૈનિકોને અંગ્રેજીમાં કહ્યું કે, ‘અમે યથાસ્થિતિ જાળવી રાખવામાં વિશ્વાસ કરીએ છીએ. તમે પણ આ બાબત સમજો.' ચીની કમાન્ડર જવાબ આપે છે, ‘હા, હું સમજું છું. તમારા કમાન્ડરે કહ્યું છે કે અમે અહીં બુમ લા સુધી આવી શકીએ છીએ અને તમે પણ અહીં આવી શકો છો. તેનાથી કોઈ ફરક પડતો નથી.’ જવાબમાં ભારતીય અધિકારીએ કહ્યું કે, ‘હું મારા કમાન્ડર સાથે આ અંગે વાત કરીશ.’
જોકે, આ વીડિયો કઈ તારીખનો છે તેનો કોઈ ઉલ્લેખ થયો નથી. પરંતુ દાવો કરાઈ રહ્યો છે કે આ વીડિયો તાજેતરમાં જ શૂટ કરાયો છે. થોડાક દિવસ પહેલા જ ચીને અરુણાચલ પ્રદેશના ૧૫ સ્થળોને ચીની નામો આપ્યા હતા. આ નામોનો ઉપયોગ હવે ચીનના સત્તાવાર નકશામાં કરાશે. ચીનનું આ પગલું ભારતીય વિસ્તારો પર તેનો દાવો મજબૂત કરવા સંદર્ભે છે.

પશ્ચિમી લદ્દાખમાં ચીની સૈનિકોનો જમાવડો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી લદાખમાં શિયાળો હોવા છતાં અને અસહ્ય ઠંડી હોવા છતાં તેણે અહીંયા સૈનિકોનો જમાવડો શરૂ કરી દીધો છે. શિયાળા દરમિયાન સ્થિતિનો લાભ લઈને ભારતને મુશ્કેલીમાં મૂકવા અને ભારતના વિસ્તારો ઉપર કબજો જમાવવા તેણે આ ગોરખધંધા હાથ ધર્યા હોવાનું જાણકારો માને છે.
બીજી તરફ સૂત્રોએ જણાવ્યું કે, ચીનની ખંધાઇને જાણતી ભારતીય સેના દ્વારા પહેલેથી જ આ વિસ્તારમાં વધારાના જવાનોનું પોસ્ટિંગ કરાયું છે જેથી ગમેતેવી વિકટ સ્થિતિને કાબૂમાં કરી શકાય અને જવાબ આપી શકાય. આ ઉપરાંત ફોર્વર્ડ પોસ્ટ ઉપર ઝડપથી યુદ્ધ સામગ્રી મોકલી શકાય તે માટે પણ ભારતીય સેના દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ચીનનો નવો કાયદો વિવાદ વધારશે
ચીને શનિવારથી તેનો નવો સરહદ કાયદો લાગુ કરતા ઉત્તરીય સરહદો પર ભારતે વધુ પડકારોનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે, ચીન નવો સરહદ કાયદો લાગુ કરીને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર વર્તમાન વિવાદાસ્પદ પોઝિશન્સ પર તેનો દાવો મજબૂત કરશે અને વધુ સરહદીય ગામો વસાવશે, જેનો ઉપયોગ સૈન્ય અને નાગરિક બંને હેતુઓ માટે કરાશે.
મેજર જનરલ (નિવૃત્ત) અશોક કુમારે જણાવ્યું હતું કે, નવો જમીન સરહદ કાયદો ચીન દ્વારા એકપક્ષીય રીતે ભારત અને ભુતાન સાથેની સરહદોને રેખાંકિત કરવાનો પ્રયાસ છે. ચીન ભારત સાથેના વિવાદાસ્પદ વિસ્તારોમાં મોડેલ ગામો વિકસાવીને સરહદીય વિવાદોનો ‘સૈન્ય ઉકેલ’ લાવવા પ્રયત્ન કરી રહ્યું છે. ચીન સતત એલએસી નજીક અનેક આધુનિક ગામો બનાવી રહ્યું છે. ભારતીય અધિકારીઓનું માનવું છે કે ચીન તેના નાગરિકોને મફત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની લાલચ આપીને એલએસી નજીક ૬૦૦થી વધુ ગામ વસાવી રહ્યું છે.

ચીનને જવાબ આપવા ભારત સજ્જ
ચીનની લશ્કર તૈયારીઓ અંગે ભારતીય સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, સરકાર અને સેના દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. શિયાળાની અસહ્ય ઠંડીનો લાભ લઈને ચીન દ્વારા સરહદે છમકલાં કરવામાં આવે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને જ ભારતે પણ વધારાના જવાનો ગોઠવી દીધા છે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, ચીન દ્વારા જેવી હરકત કરવામાં આવશે તેવી જ ભાષામાં તેને પણ વળતો જવાબ આપવામાં આવશે.

ચીન પેંગોગ સરોવર પર પુલ બનાવે છે
ચીનના ઇરાદા ક્યારેય પણ સારા રહ્યા નથી. તેથી જ જો તે ભારતીય સરહદની નજીક કોઈ પણ પ્રકારની હરકત કરે તો તેને નજરઅંદાજ કરી શકાય નહીં. હવે જીઓ ઇન્ટેલિજન્સ એકસ્પર્ટ ડેમિયેન સિમોન દ્વારા એક્સેસ કરવામાં આવેલા સેટેલાઈટ ઇમેજથી જાણકારી બહાર આવી છે કે ચીનની રેડ આર્મી હવે ઇસ્ટર્ન લદ્દાખમાં પેંગોગ સરોવર પર તેની માલિકીના હિસ્સા પર એક બ્રિજ તૈયાર કરી રહ્યું છે. નોંધનીય છે કે ૨૦૨૦માં ભારતીય સેનાએ સાઉથ બેન્ક ઉપર પીએલએને જડબાતોડ જવાબ આપ્યા પછી લાલ સેના પાછી હટી ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter