ચીની સેનાએ લદ્દાખ સરહદે હુમલો કરવા માટે તૈયારી કરી હતી

Saturday 24th September 2022 04:38 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત અને ચીની સૈન્યના જવાનો વચ્ચે ઘર્ષણ બાદ લદ્દાખ સરહદે ચીને હુમલાની તૈયારી કરી લીધી હતી, જેનો ખુલાસો સેટેલાઇટ તસવીરો દ્વારા થયો છે. આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે લદ્દાખ સરહદે જે સ્થળે ભારત અને ચીની સૈન્ય આમનેસામને આવી ગયા હતા ત્યાં ચીની સૈનિકોએ એક મોટો બેઝ તૈયાર કરી લીધો હતો. જોકે હવે જ્યારે આ વિસ્તારમાંથી ચીની સૈન્યએ પોતાના જવાનોને પરત બોલાવી લીધા છે ત્યારે આ બેઝની ઇમારતને પણ તોડી પાડવામાં આવી છે.
આ સમગ્ર ફેરફારો એ વાતના પણ સંકેતો આપી રહ્યા છે કે ભારત અને ચીની સૈન્ય વચ્ચે સરહદે હાલ શાંતિનો માહોલ છે. ચીની સૈનિકો પૂર્વી લદ્દાખમાં ગોગરા-હોટસ્પ્રિંગ્સમાં એલઓસી પાર કબજા વાળા સ્થળેથી ત્રણ કિમી પાછળ હટી ગયા છે. જોકે આ કોઇ દબાણને કારણે શક્ય નથી બન્યું પણ બન્ને દેશો વચ્ચેની સંયુક્ત સૈન્ય વાપસી (ડિસએંગેજમેન્ટ) પ્રક્રિયાનો જ એક હિસ્સો છે. આ સમજૂતીને કારણે ચીની સૈનિકોએ પોતાનો એક બેઝ છોડવો પડયો છે. ચીની સૈનિકો આ બેઝ પરથી હટીને પરત જતા રહ્યા કે તુરંત જ આ બેઝને તોડી નંખાયો હતો. પ્રથમ સેટેલાઇટ તસવીર 12 ઓગસ્ટ 2021ની છે જ્યારે બીજી સેટેલાઇટ હાલની છે જે 15 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. પ્રથમ તસવીરમાં બેઝ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે જ્યારે બીજી તસવીર પણ આ જ વિસ્તારની છે પણ તેમાં બેઝ નથી જોવા મળી રહ્યો. તેથી તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે ચીની સૈનિકો આ વિસ્તારમાંથી પરત જતા રહ્યા છે. પરિણામે હાલ ત્યાં શાંતિનો માહોલ છે. આ ઇમારતનું નિર્માણ 2020માં બન્ને દેશની સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું તે સમયનું હોવાની શક્યતાઓ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter