નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના વ્હીસલ બ્લોઅર હરિપ્રસાદના જણાવ્યા મુજબ મેહુલ ચોક્સીને પકડવામાં આવ્યા પછી પણ તેને ભારતમાં લાવવાનું કામ આસાન નથી. તેની પાસે અઢળક પૈસા છે. જેમ માલ્યા ભારતનાં પ્રત્યર્પણથી બચી રહ્યો છે તેમ ચોક્સી પણ છટકબારીઓ ગોતશે. જોકે હરિપ્રસાદે આશા વ્યક્ત કરી હતી કે તેને પ્રત્યર્પણ દ્વારા જો ભારત લાવવામાં આવશે તો તે ભારત સરકારની વધુ એક સફળતા ગણાશે.
પ્રત્યાર્પણમાં સમય લાગી શકે છે, પરંતુ લાવશે ચોક્કસ
જોકે કેટલાક કાનૂની નિષ્ણાતો અને અનુભવી આઇબી અધિકારીઓનું કહેવું છે કે મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણમાં સમય લાગી શકે છે. હવે કોર્ટમાં કેસની સુનાવણી ચાલશે. પરંતુ હવે ચોક્સીને ભારતમાં કાયદા મુજબ લાવવાનું નક્કી થઈ ગયું છે. ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સંધિમાં 2023માં જોડવામાં આવેલા નિયમ મુજબ બંને દેશો ફરાર આરોપીઓ સામે તપાસ એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા સર્ચ વોર્ટ અને સમન્સને પ્રભાવિત કરી શકે છે. બેલ્જિયમે ચોક્સીની ધરપકડ કરી તેમનો તબક્કો પૂર્ણ કરી લીધો છે. સાથે જ એન્ટિગુઆ કહી ચૂક્યું છે કે તે ચોક્સીની નાગરિકતા ખતમ કરી શકે છે. એવામાં ચોક્સીની જન્મજાત નાગરિકતા ભારતીય હશે, બેલ્જિયમે તેને ભારત પ્રત્યાર્પણ કરવું પડશે.
પત્નીની મદદથી બેલ્જિયમની નાગરિકતા
મેહુલ ચોક્સીએ 15 નવેમ્બર 2023ના રોજ તેની પત્નીની મદદથી બેલ્જિયમમાં F રેસિડન્સી કાર્ડ અને નાગરિકતા મેળવી છે. ચોક્સીએ બેલ્જિયમના અધિકારીઓ સમક્ષ બોગસ દસ્તાવેજો રજૂ કર્યું હોવાનું મનાય છે. તેણે પોતાની ભારતીય નાગરિકતા અને એન્ટિગુઆની નાગરિકતાની વિગતો છુપાવી છે, જેથી તેને ભારત મોકલવામાં ન આવે. ભારત સરકાર માટે હવે સતર્ક રહેવાની જરૂર છે. જો મેહુલ ચોક્સીને કેન્સરને કારણે માનવતાના ધોરણે જેલમાંથી જામીન પર છોડાશે તો તો તે F કાર્ડને આધારે યુરોપનાં અન્ય દેશોમાં જઈ શકે છે. ભારત સરકારે પ્રત્યર્પણ કરાર ન કર્યા હોય તેવા દેશમાં જો તે જતો રહેશે તો તેને ભારત લાવવાનું મુશ્કેલ બની શકે છે. મેહુલ ચોક્સીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવા ઇડી દ્વારા 2018માં અરજી થઈ હતી. જોકે ચોક્સીએ કોર્ટમાં અલગ-અલગ અરજીઓ કરીને કેસને કાયદાની માયાજાળમાં ગૂંચવી નાખ્યો હતો.