કોલંબોઃ ચીન હિન્દ મહાસાગરમાં ફરી એક વખત મર્યાદા ઓળંગવાના બદઇરાદા ધરાવતું હોવાના અહેવાલ છે. રિસર્ચ સરવેના નામે આવનાર ચીનનું સૌથી એડવાન્સ જાસૂસી જહાજ શી યાન-6 ઓક્ટોબરમાં શ્રીલંકામાં પહોંચી જવાની તૈયારીમાં છે. ચીન સરકારે નવી દિલ્હીમાં સપ્ટેમ્બર યોજાનાર મહત્ત્વપૂર્ણ જી-20 શિખર બેઠક બાદ પોતાના સરવેશિપ માટે મંજૂરી માગી છે અને શ્રીલંકાની નૌસેનાએ કોઇ વાંધો ઉઠાવ્યો નથી.
સુત્રોના કહેવા મુજબ શ્રીલંકાની સરકાર આ મહિનાના અંત સુધીમાં આ સરવે શિપને સત્તાવાર રીતે મંજૂરી આપી દેશે. ગયા વર્ષે ભારત સરકારે ચીનના અત્યાધુનિક જહાજનો શ્રીલંકાના હંબનટોટા બંદર પર રિસર્ચના નામે પહોંચવાના મામલે જોરદાર વિરોધ કર્યો હતો. ભારતના વિરોધ છતાં એક વર્ષ બાદ જ ચીન સરકાર રિસર્ચના નામ પર વધુ એક એડવાન્સ જહાજ મોકલવાની તૈયારીમાં છે.


