નવી દિલ્હીઃ ભારતમાં યોજાયેલી સમિટ માટે આવેલા જી-20 દેશોના વડાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યાદગાર ભેટસોગાદો આપવામાં આવી હતી. મહેમાનોને સીસમના લાકડાની બનેલી ખાસ પેટીમાં ગિફટ અપાઈ હતી, જેમાં કશ્મીરી પશ્મીના શાલથી લઇને કશ્મીરી કેસર, દાર્જિલિંગ અને નીલગિરીની ચા, અરાકૂ કોફી, સુંદરવનનું મધ, ઉત્તર પ્રદેશના કન્નોજમાં પરંપરાગત રીતે બનતું જિધરાના અત્તર અને ખાદીના સ્કાર્ફ સહિતની ખાસ ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો.
મહેમાનોને ભેટ અપાયેલી દાર્જિલિંગ ચા વિશ્વની સૌથી મોંઘી ચા તરીકે જાણીતી છે, જ્યારે નીલગિરિ ચા તેના સ્વાદ માટે પ્રખ્યાત છે. જ્યારે અરાકૂ કોફી આંધ્ર પ્રદેશની અરાકૂ ખીણના જૈવિક બગીચાઓમાં ઊગે છે. તેની ખેતી મશીનો અને રસાયણો વિના કરવામાં આવે છે. ખેડૂતો નાના ખેતરોમાં હાથથી ખેતી કરે છે. ખાસ સુગંધવાળી આ કોફી તેની અનોખી બનાવટ અને સ્વાદ માટે જગવિખ્યાત છે. આ જ પ્રકારે સુંદરવનનું મધ પણ તેના આગવા સ્વાદ અને સોડમ માટે જાણીતું છે. આ મધની હળવી ખારાશ તેની વિશેષતા છે.