ઝામ્બીઆમાં પ્રેસિડેન્ટ હિશિલેમાએ બીજી વખત સત્તા હાંસલ કરી

Wednesday 19th August 2026 06:53 EDT
 
 

લુસાકાઃ ઝામ્બીઆમાં ગુરુવાર 13 ઓગસ્ટે યોજાએલી પ્રમુખપદની ચૂંટણીમાં સાતમી વખત ચૂંટણી લડી રહેલા વર્તમાન પ્રેસિડેન્ટ હાકાઈન્ડે હિશિલેમાએ 60 ટકા મત સાથે બીજી ટર્મ હાંસલ કરી છે ત્યારે મુખ્ય સ્પર્ધક બ્રિઆન મુન્ડુબાઈલે 38 ટકા મત સાથે જોરદાર ટક્કર આપી હતી. પ્રમુખપદ ઉપરાંત નેશનલ એસેમ્બલીની 280 બેઠક માટે પણ મતદાન કરાયું હતું.

ચૂંટણીની રાત્રે જ સત્તાવાળાઓએ એક દરોડામાં અગ્રણી વિપક્ષી નેતા સહિત 11 વ્યક્તિની ધરપકડ કરી હતી. દરોડાના સ્થળે સામસામા ગોળીબાર થયા હતા અને પ્રમુખપદના ઉમેદવાર મુન્ડુબાઈલ ઘટનાસ્થળે હાજર હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના નિવાસસ્થાને સશસ્ત્ર લોકોએ દરોડો પાડ્યો હતો. આ ઘટના તેમનો જાન લેવાના પ્રયાસ સમાન હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે ઈલેક્શન કમિશને પોલિંગ સ્ટાફ સામે હિંસા અને મતપત્રોની ચોરીના અહેવાલો મધ્યે મતગણતરી અટકાવી દીધી હતી. જનરલ ઈલેક્શન માટે આશરે 8.79મિલિયન નોંધાયેલા મતદારો હતા. પ્રમુખપદની ચૂંટણીમાં 14 ઉમેદવાર મેદાનમાં હતા અને પુનઃ મતદાન ટાળવા માટે ઉમેદવારે કુલ મતના 50 ટકાથી વધુ મત મેળવવા જરૂરી છે.

યુનાઈટેડ પાર્ટી ફોર નેશનલ ડેવલપમેન્ટ (UPND)ના હિશિલેમા 2021માં સત્તા પર આવ્યા હતા. તેઓ દેશના ઋણના રિસ્ટ્રક્ચરિંગ, અર્થતંત્રની સ્થિરતા અને રોકાણોને આકર્ષવાના બળ સાથે બીજી વખત પાંચ વર્ષની મુદત મેળવવા ઈચ્છુક હતા. જોકે, અન્નના ઊંચા ભાવ, બેરોજગારી અને ઈલેક્ટ્રિસિટીની અરાજકતાના પ્રશ્નો પડકારજનક રહ્યા હતા. બીજી તરફ, હિશિલેમાના મજબૂત હરીફ અને વિપક્ષ ટોન્સે એલાયન્સના બ્રિઆન મુન્ડુબાઈલે નિર્વાહખર્ચ ઘટાડવા, કૃષિક્ષેત્રની મજબૂતી અને લોકશાહી આઝાદીની પુનઃસ્થાપનાના વચનો આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter