હરારેઃ ઝિમ્બાબ્વેની સરકારે દેશની આઝાદીના પીઢ લડવૈયાઓ અને વિરોધપક્ષની ટીકાઓ છતાં, પ્રેસિડેન્ટ એમર્સન એમનાન્ગાગ્વાની મુદત બે વર્ષ વધારી 2030 સુધીની થાય તેવું બિલ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કર્યું છે. બુધવારે બિલના બીજા વાંચન સાથે તેના પર ચર્ચા થવાની છે. 83 વર્ષીય પ્રેસિડેન્ટ એમનાન્ગાગ્વા રાષ્ટ્રના વડા તરીકે બે મુદત સેવા આપ્યા પછી 2028માં પદત્યાગ કરશે, પરંતુ તેમના સમર્થકો પ્રમુખપદનીની મુદત પાંચના બદલે સાત વર્ષની કરવા બંધારણમાં સુધારાની તરફેણ કરી રહ્યા છે. પ્રમુખની ચૂંટણી લોકપ્રિય મતદાનના બદલે પાર્લામેન્ટ દ્વારા કરવામાં આવે તેવી માગણી પણ તેઓ કરી રહ્યા છે. એમનાન્ગાગ્વાની ZANU-PF પાર્ટી નીચલા ગૃહમાં બે તૃતીઆંશ બહુમતી ધરાવે છે અને ઉપલા ગૃહમાં પણ તેનો સારો અંકુશ હોવાથી આ પ્રસ્તાવ સરળતાથી પસાર થઈ જશે તેમ રાજકીય નિષ્ણાતો માને છે. ઝિમ્બાબ્વેએ 1980માં બ્રિટનથી આઝાદી મેળવ્યા પછી ZANU-PF પાર્ટી જ સત્તા પર રહી છે. સૌપહેલા રોબર્ટ મુગાબે અને 2017ના બળવા પછી એમનાન્ગાગ્વા સત્તા પર છે.
• નાઈરોબી નેશનલ પાર્કમાં બાંધકામ મુદ્દે લોકવિરોધ
નાઈરોબીઃ કેન્યાની રાજધાની નાઈરોબીમાં આવેલા નેશનલ પાર્કના હિસ્સામાં બાંધકામ કરવાના આયોજન સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. સોમવારે સંખ્યાબંધ વિરોધ દેખાવકારોને વિકેરવા રાયોટ પોલીસે ટીઅર ગેસ છોડ્યો હતો. આ ઉપરાંત, દેશના પૂર્વ ચીફ જસ્ટિસ ડેવિડ મારાગા સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન, કેન્યા વાઈલ્ડલાઈફ સર્વિસે બચાવમાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટથી એનિમલ ઓર્ફનેજનું વિસ્તરણ થશે.
પાર્કની બહાર બેનર્સ સાથે આગેકૂચ કરી રહેલા દેખાવકારોએ જણાવ્યું હતું કે 1000થી વધુ વાહનો માટેના પાર્કિંગ એરિયાથી કેન્યાના સૌથી પ્રસિદ્ધ સંરક્ષિત સ્થળોમાં એકની ભૂમિમાં અતિક્રમણો થશે. નેશનલ પાર્ક નાઈરોબીના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટથી માત્ર 10 કિલોમીટરના અંતરે છે.
• સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અમેરિકા પાસેથી માઈગ્રન્ટ્સ સ્વીકારશે
બાંગુઈઃ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકે અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ત્રીજા દેશોના માઈગ્રન્ટ્સ સ્વીકારવા સંમતિ દર્શાવી છે. વોશિંગ્ટને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઘાના, સીએરા લીઓન અને ઈક્વેટોરીઅલ ગિની સહિતના આફ્રિકન દેશોમાં ત્રીજા દેશોના દેશનિકાલ માઈગ્રન્ટ્સ મોકલ્યા છે. ઘણા કેસીસમાં ડીપોર્ટીઓએ યુએસની ઈમિગ્રેશન કોર્ટ્સમાંથી તેમને દેશનિકાલ કરવા સામે કાનૂની રક્ષણ મેળવ્યું છે, પરંતુ ત્રીજા દેશો સાથે થયેલા કરારો આવા રક્ષણોને ટાળવાની પરવાનગી આપે છે. બાંગુઈમાં યુએસ ડેલિગેશન સાથે 18 મેની બેઠકમાં સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક સાથે આ કરારની ચર્ચા થઈ હતી.

