દારેસલામઃ ટાન્ઝાનિઆમાં ચૂંટણી દરમિયાન વિનાશક દેખાવો સંદર્ભે સિક્યોરિટી દળોએ 1000થી વધુ લોકોને મારી નાખ્યા હોવાના મુખ્ય વિપક્ષ ચાડેમા અને માનવાધિકાર સંસ્થાઓના દાવા પછી પોલીસે પાર્ટીના ડેપ્યુટી જનરલ સેક્રેટરી આમાની ગોલુગ્વાની ધરપકડ કરી હતી. સરકારે કેટલાક લોકોના મોત થયાનું સ્વીકારવા સાથે વિપક્ષી આંકડાને વધુપડતો ગણાવ્યો હતો. બીજી તરફ, ટાન્ઝાનિઆ સત્તાવાળાએ 200થી વધુ લોકો સામે મૃત્યુદંડ થઈ શકે તેવા દેશદ્રોહ અપરાધનો આરોપ લગાવ્યો છે.
વર્તમાન પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસનને 98 ટકા મત સાથે વિજેતા ઘોષિત કરાયાં હતાં, પરંતુ ચૂંટણીમાંથી બાકાત રખાયેલા વિરોધપક્ષોએ પરિણામને છેતરપીંડી ગણાવ્યું હતું. આફ્રિકન યુનિયનના ચૂંટણી નીરિક્ષકોએ પણ મતદાન લોકશાહીવાદી ધોરણો લાથે સુસંગત ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, ચાડેમા પાર્ટીના નેતા ટુન્ડુ લિસ્સુને એપ્રિલ મહિનામાં દેશદ્રોહના આરોપ સાથે જેલભેગા કરી દઈ તેમંને ચૂંટણી લડવા દેવાઈ ન હતી. પોલીસ સત્તાવાળા ટાન્ઝાનિઆના શહેરોમાં 29 ઓક્ટોબરના હિંસક દેખાવો અને પોલીસ સાથે અથડામણોના સંદર્ભે વિપક્ષી નેતાઓ સહિત સંખ્યાબંધ લોકોની શોધખોળ ચલાવી રહ્યા છે. દરમિયાન, ઈવેન્જલિકલ લુથરન ચર્ચના બિશપ બેન્સન બાગોન્ઝાએ દેશદ્રોહના આરોપો તંગદીલી વધારશે તેમ જણાવી સરકારને રાજકારણીઓ અને કર્મશીલો સાથે સુલેહ કરી શાંતિ સ્થાપવા સલાહ આપી હતી.
ટાન્ઝાનિઆના તત્કાલીન પ્રમુખ જ્હોન માગુફૂલીનું 2021માં હોદ્દા પર હોવા દરમિયાન જ મોત થયા પછી વાઈસ પ્રેસિડેન્ટ સામીઆ દેશના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બન્યાં હતાં.

