દારેસલામઃ ટાન્ઝાનિઆના નેશનલ ઈલેક્શન કમિશને બુધવાર, 29 ઓક્ટોબરની દેશની પાર્લામેન્ટ અને પ્રમુખપદની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને 97.66 ટકા મત સાથે જોરદાર વિજય હાંસલ કર્યો હોવાની જાહેરાત કરી હતી. મુખ્ય વિરોધ પક્ષોને ચૂંટણી લડવા નહિ દેવાથી દેશમાં મતદાન દરમિયાન અનેક સ્થળોએ હિંસક વિરોધ પ્રદર્શનો યોજાયા હતા, જેમાં સેંકડો લોકોના મોત થયાની આશંકા વિરોધપક્ષોએ વ્યક્ત કરી હતી. જોકે, યુએન માનવાધિકાર એજન્સીએ ત્રણ શહેરોમાં ઓછામાં ઓછી 10 વ્યક્તિના મોત થયાનો રિપોર્ટ આપ્યો હતો. સરકારે દેખાવો અને વિરોધપ્રદર્શનને છૂટીછવાઈ ઘટના જણાવી મૃત્યુના વિપક્ષી આંકડાને વધુપડતો ગણાવી ફગાવી દીધો હતો. ઈલેક્શનને ગેરવાજબી અને અન્યાયી ગણાવી શેરીઓમાં ઉતરી આવેલા યુવા દેખાવકારોએ સરકારી ઈમારતોને આગ લગાવી હતી, જ્યારે પોલીસ દ્વારા ટીઅરગેસ છોડવા સાથે ગોળીબાર કરાયો હતો.
ટાન્ઝાનિઆના મુખ્ય વિરોધ પક્ષ CHADEMAએ દેશની ચૂંટણીમાં પરિણામોને સંપૂર્ણ બનાવટી ગણાવી સૌપ્રથમ ચૂંટણી લડી રહેલાં પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસનનાં જોરદાર વિજયને નકારી દીધો છે. વિપક્ષે સલામતી દળો સાથે અથડામણોમાં 700થી વધુ મોત, સંખ્યાબંધ વિરોધી લોકોના અપહરણ અને ધરપકડોના આક્ષેપો લગાવ્યા હતા. ચૂંટણીજંગમાં મુખ્ય હરીફ ઉમેદવારોને ભાગ લેવા નહિ દેવાતા સમગ્ર દેશમાં ભારે હિંસક વિરોધપ્રદર્શનો યોજાયા હતા. કોડ ઓફ કંડક્ટ પર સહી કરવાના ઈનકારથી વિપક્ષ CHADEMA પર ચૂંટણી લડવા સામે પ્રતિબંધ લદાયો હતો અને તેના નેતા ટુન્ડુ લિસ્સુને એપ્રિલ મહિનામાં દેશદ્રોહના આરોપસર જેલમાં ધકેલી દેવાયા હતા.
વિજયી જાહેર કરાયાં પછી પ્રેસિડેન્ટ હાસને જણાવ્યું હતું કે દેખાવકારોના કૃત્ય જવાબદાર કે રાષ્ટ્રભક્તિના ન હતા. જ્યારે ટાન્ઝાનિઆની સુરક્ષાની વાત આવે ત્યારે દેશ સલામત રહે તે માટે તમામ સુરક્ષામાર્ગોનો આશ્રય લઈશું. સત્તાવાળાઓ દ્વારા તોફાનો અને અશાંતિને ડામવા બુધવારથી રાષ્ટ્ર્યાપી કર્ફ્યુ લાદવા સાથે ઈન્ટરનેટ એક્સેસ પર અંકુશ લગાવાયો હતો. ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી તેમજ ફ્યૂલની આયાત અને દેશમાં ખોદાતી ખનિજોની નિકાસના કેન્દ્ર દારેસલામ પોર્ટની કામગીરી ખોરવાઈ હતી.
દરમિયાન, ટાન્ઝાનિયાના અર્ધસ્વાયત ઝાંઝીબાર ટાપુસમૂહમાં વર્તમાન પ્રેસિડેન્ટ હૂસૈન મ્વિન્યી લગભગ 80 ટકા મત સાથે વિજયી જાહેર કરાયા હતા. ઝાંઝીબારના વિરોધપક્ષોએ ચૂંટણીમાં ભારે ગેરરીતિઓ થયાનો આક્ષેપ લગાવ્યો હતો.


