ટાન્ઝાનિયા અભયારણ્યમાં 10 સિંહના મોતઃ ઝેર અપાયાની શંકા

Wednesday 23rd September 2026 07:54 EDT
 

ડોડોમાઃ ટાન્ઝાનિયાના અરુષા પ્રદેશમાં આવેલા એન્ગોરોન્ગોરો વાઈલ્ડ લાઈફ રિઝર્વ ખાતે શુક્રવાર 18 સપ્ટેમ્બરે 10 સિંહ મૃત હાલતમાં મળી આવ્યા હતા. એન્ગોરોન્ગોરો કન્ઝર્વેશન એરિયા ઓથોરિટીના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં સિંહોને ઝેર અપાયું હોવાનું જણાય છે.

ઈસ્ટ આફ્રિકાના અનેક વિસ્તારોમાં પશુમાલિકો અને જંગલી પ્રાણીઓ વચ્ચે સતત સંધર્ષના કારણે મોટા માંસાહારી પ્રાણીઓને ઝેર અપાવાનું જોખમ વધી રહ્યું છે. એન્ગોરોન્ગોરો ઓથોરિટીના જણાવ્યા મુજબ અરુષા વિસ્તારના એન્ડુલેન વોર્ડના એન્ડુટુ એરિયામાં 10 સિંહ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તારણો અનુસાર સિંહોએ ઝેરી પદાર્થ ખાઈ લેવાથી તેમનું મોત થયું હોઈ શકે છે. સિંહોના મોતનું કારણ નિશ્ચિત કરવા અને જવાબદારોને ઓળખી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી છે. સિંહોના રક્ષણ માટે કાર્યરત કેન્યાસ્થિત સંસ્થા લાયન ગાર્ડિયનના જણાવ્યા મુજબ જાન્યુઆરી મહિનામાં પણ ટાન્ઝાનિયા અને કેન્યાની સરહદ નજીક છ સિંહનું મોત ઝેર અપાયાના કારણે થયું હતું. આ ઘટનામાં 30 મૃત ગીધ પણ મળી આવ્યાં હતાં જે ઝેરની શંકાને મજબૂત બનાવે છે.

ઉત્તર ટાન્ઝાનિયામાં એન્ગોરોન્ગોરો કન્ઝર્વેશન એરિયા વર્લ્ડ હેરિટેજ સાઈટ છે અને પ્રવાસીઓ માટે દેશનું મોટું વન્યજીવન આકર્ષણ છે. આ વિસ્તારમાં સિંહ, હાથી, જંગલી ભેંસ અને દુર્લભ થઈ રહેલા કાળા ગેંડા સહિત અનેક પ્રાણીઓ સહિત વૈવિધ્યપૂર્ણ વન્યજીવન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter