નાઈરોબીઃ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે ટાન્ઝાનિયામાં સ્ટાન્ડર્ડ ગેજ રેલવે (SGR) પ્રોજેક્ટ માટે 2.33 બિલિયન ડોલરના સિન્ડિકેટેડ ફાઈનાન્સિંગ સુવિધાની સફળ વ્યવસ્થા કરી છે. આ ભંડોળ થકી કોમર્શિયલ કેપિટલ દારેસ્લામ પોર્ટ અને લેકસાઈડ સિટી મ્વાન્ઝાને સાંકળતી 1219 કિલોમીટરની રેલવે લાઈનના બે તબક્કાને ફાઈનાન્સ કરાશે.
તુર્કીએની યાપી મેરકેઝી અને ચીનની ચાઈના સિવિલ એન્જિનીઅરીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન રેલવે લાઈનનું કામકાજ હાથ ધરશે. એક્સપોર્ટ ક્રેડિટ એજન્સીઓ, કોમર્શિયલ બેન્કો અને ડેવલપમેન્ટ ફાઈનાન્સ સંસ્થાઓ પાસેથી ભંડોળ મેળવવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે જણાવ્યું હતું કે સ્ટાન્ડર્ડ ગેજ રેલવેના બાંધકામ અને આધુનિકીકરણથી દારેસ્લામ પોર્ટ વેસ્ટર્ન ટાન્ઝાનિયા અને પડોશી રાજ્યોના ચાવીરૂપ વિકાસ કોરિડોર્સ સાથે સાંકળશે જેનાથી લોકો અને કાર્ગો માટે વિશ્વસનીય પરિવહન સેવા ઉભી થશે.
ટાન્ઝાનિયા ઓછામાં ઓછાં 2561 કિલોમીટરના આધુનિક રેલવે નેટવર્કના નિર્માર્ણનો હેતુ ધરાવે છે જેનાથી જમીન સાથે સંકળાયેલા રવાન્ડા, બુરુન્ડી, યુગાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો જેવા પડોશી દેશો સાથે સંકળાઈ શકાય.


