ટાન્ઝાનિયાના મોહમ્મદ દેવજી ગ્રેફાઈટ માઈનિંગમાં $275 મિલિયન રોકશે

Tuesday 14th July 2026 13:07 EDT
 
 

ડોડોમાઃ વિશ્વના દેશો ઈલેક્ટ્રિક વાહનો માટે આવશ્યક ક્રિટિકલ મિનરલ્સના પુરવઠો હાંસલ કરવા હોડ લગાવી રહ્યા છે ત્યારે ટાન્ઝાનિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મોહમ્મદ દેવજીનું MeTLગ્રૂપ આગળ જતાં સૌથી વધુ માગ સર્જાશે તેવી ખનિજ ગ્રેફાઈટના માઈનિંગમાં 275 મિલિયન ડોલર રોકવા તૈયાર થયું છે. આગામી 18 મહિનામાં ગ્રેફાઈટનું કોમર્શિયલ ઉત્પાદન થવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે દેવજીએ કેન્યામાં 17 બિલિયન ડોલરના ખર્ચે રિફાઈનરી ઉભી કરવા અલિકો ડાન્ગોટેની યોજનામાં પણ 100 મિલિયન ડોલર રોકાણની ઈચ્છા દર્શાવી છે.

બિઝનેસમેન મોહમ્મદ દેવજીની કંપની લક્ઝરી ટુરિઝમ ક્ષેત્રને વિસ્તારવા સાથે જ વિસ્તરતા જતા ઈલેક્ટ્રિક વાહનોની બેટરીના બજારમાં સપ્લાય પૂરો પાડવાનું લક્ષ્ય ધરાવે છે. કંપનીનું રોકાણ 2035 સુધીમાં વાર્ષિક રેવન્યુ ત્રણ ગણી વધારી 10 બિલિયન ડોલર સુધી પહોંચાડવાના ભાગરૂપે છે. MeTLગ્રૂપના ચેરમેને બ્લૂમબર્ગ સાથે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ગ્રેફાઈટ માઈનિંગમાં જંગી રોકાણ સાથે ઈસ્ટ આફ્રિકન કોન્ગ્લોમેરેટ લાંબા ગાળાની ડિમાન્ડ ધરાવનારી બે ઈન્ડસ્ટ્રીમાંથી મોટો લાભ મેળવવાની સ્થિતિમાં રહેશે. તેમની કંપની બેટરી-ગ્રેડ ગ્રેફાઈટ માટે આવશ્યક સ્પેસિફિકેશનને સમજવા યુરોપિયન પાર્ટનર્સ સાથે કામ કરી રહી છે જ્યારે તેમની ટીમના સભ્યો મિનરલના પ્રોસેસિંગ માટે જરૂરી ટેકનોલોજી મેળવવા ચીનની મુલાકાતે ગયા છે.

કંપની યુરોપ, જાપાન અને સાઉથ કોરિયાને બ્રેટરી ગ્રેડ મટિરીઅલને અપગ્રેડ કરીને નિકાસ કરતા પહેલા શરૂઆતમાં 94 ટકા શુદ્ધતા સાથે ગ્રેફાઈટનું ઉત્પાદન કરી ચીનના રિફાઈનર્સને મોકલશે. વિશ્વની સરકારો અને ઓટોમેકર્સ ગ્લોબલ ગ્રેફાઈટ પ્રોસેસિંગ પર પ્રભુત્વ ધરાવતા ચીનથી દૂર જઈ ક્રિટિકલ મિનરલ સપ્લાયનો નવો સ્રોત શોધી રહ્યા છે ત્યારે MeTLગ્રૂપનું રોકાણ મહત્ત્વપૂર્ણ બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter