ટિ્વટર ટોપ-૫૦ઃ પ્રભાવશાળી મહાનુભાવોમાં મોદી બીજા ક્રમે

Friday 19th November 2021 06:03 EST
 
 

નવીદિલ્હી: ટ્વિટર પર વિશ્વની સૌથી ૫૦ પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજા ક્રમે જોવા મળે છે. વિશ્વના કોઈ નેતા મોદી સાથે ટક્કરમાં નથી. કન્ઝયુમર ઈન્ટેલિજન્સ કંપની બ્રાન્ડ વોચના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
આ ઉપરાંત અમેરિકી અભિનેતાઓ ડ્વેઇન જોન્સન અને લિયોનાર્ડો કેપ્રિયો તથા અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામા કરતાં પણ સચિનને આગળ સ્થાન મળ્યું છે. આ યાદીમાં સૌથી ટોચ પર અમેરિકી ગાયિકા ટેલર સ્વિફ્ટ છે જ્યારે મોદી બીજા ક્રમે છે.
 આ યાદીમાં નીક જોનસ, નીકી મિનાઝ, બિયોન્સ, લુઈસ ટોમલિશન, બ્રુનો માર્સ, લિયામપાઈને અને તાકાફૂમી હોરીનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ૬૧ ટકા પુરુષ છે જ્યારે ૩૯ ટકા મહિલાઓ છે. ૬૭ ટકા લોકો અમેરિકાના છે જ્યારે ૫૩ ટકા લોકો બ્રાઝિલના છે.
કન્ઝયૂમર ઇન્ટેલિજન્સ કંપની બ્રાન્ડ વોચના અહેવાલ અનુસાર ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર ચાલુ વર્ષે ટ્વિટર ઉપરના સૌથી પ્રભાવશાળી ટોપ-૫૦ લોકોમાં સામેલ થઇ ગયો છે. મહાન બેટ્સમેન સચિને ૫૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં અમેરિકાના અભિનેતા ડ્વેન જોનસન તથા લિયોનાર્ડો ડિ કેપ્રિયો તથા અમેરિકાની ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા કરતાં આગળ સ્થાન મેળવ્યું છે. અમેરિકાની સિંગર ટેલર સ્વિફ્ટ આ યાદીમાં ટોચના ક્રમે છે.
સર્વેમાં સચિનને યાદીમાં સામેલ કરવા પાછળ તેણે પછાત લોકો માટે કરેલા પ્રશંસનીય કાર્યો, તેમના માટે અભિયાન ચલાવવા તથા યોગ્ય કાર્યો માટે હંમેશાં આગળ રહેવા ઉપરાંત સચિનના કાર્યથી પ્રેરિત થનારા તેના પ્રશંસકો અને ભાગીદાર બ્રાન્ડના અભિયાનના કારણો રજૂ કરાયા છે.
સચિન એક દાયકાથી પણ વધુ સમયથી યુનિસેફ સાથે જોડાયેલા છે. ૨૦૧૩માં તેમને દક્ષિણ એશિયાના એમ્બેસેડર બનાવાયો હતો. સચિને ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્રે અનેક પહેલ કરી છે. તેમણે વંચિતો માટે પ્રશંસનીય કામ કર્યું છે. તેમના માટે તેઓ અવાજ પણ ઊઠાવતા રહ્યા છે. આ માટે સચિનની પસંદગી કરવામાં આવી છે. જોવાની ખૂબી એ છે કે આ યાદીમાં નરેન્દ્ર મોદી સિવાય અન્ય કોઈ રાજકારણીને સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત સચિન સિવાય કોઈ રમતવીર પણ સ્થાન મેળવી શક્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter