જોહાનિસબર્ગઃ યુનાઈટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ ટ્રમ્પ આફ્રિકન દેશોનો ઉપયોગ અપરાધીઓ અને દેશનિકાલ માઈગ્રન્ટ્સનું ‘ડમ્પિંગ ગ્રાઉન્ડ’ બનાવવા કરી રહ્યા હોવાના આક્ષેપો કર્મશીલો અને માનવાધિકાર જૂથોએ કર્યા છે. યુએસમાં સજા કરાયેલા વિયેતનામ, જમૈકા, લાઓસ, ક્યુબા અને યેમેનના પાંચ અપરાધીઓ સાથે ડિપોર્ટેશન ફ્લાઈટ 16 જુલાઈએ સર્વસત્તાધીશ રાજાનું શાસન ધરાવતા ટચુકડા દેશ એસ્વાટિનીમાં ઉતરી હતી.
આ દેશનિકાલ ટ્રમ્પની ‘થર્ડ કન્ટ્રી’ યોજનાનો હિસ્સો છે. જે અપરાધી કે માઈગ્રન્ટ્સને પરત લેવા તેમના જ દેશની તૈયારી ન હોય તેમને આફ્રિકા જેવા દેશોમાં મોકલી દેવાની યોજના છે. અમેરિકા ઉપરાંત, યુકે, ઈઝરાયેલ જેવા દેશોએ પણ ગેરકાયદે માઈગ્રન્ટ્સને આફ્રિકન દેશોમાં વસાવવા તજવીજ કરેલી છે.
અમેરિકાએ અપરાધીઓને દેશનિકાલ કર્યા હોય તેવો બીજો દેશ એસ્વાટિની છે. અગાઉ, આ જ મહિને આઠ ખૂંખાર કેદીઓ યુદ્ધગ્રસ્ત સાઉથ સુદાનમાં મોકલી અપાયા છે. ગયા મહિને જ યુએસની સુપ્રીમ કોર્ટે વિદેશી નાગરિકોને ત્રાહિત ત્રીજા દેશમાં દેશનિકાલ કરવાને મંજૂરી આપી હતી. આના પરિણામે, એસ્વાટિની સહિત આફ્રિકી દેશોના આંતરરાષ્ટ્રીય અધિકાર જૂથો અને નાગરિક સમાજ જૂથોએ માનવ અધિકારોના દુરુપયોગ વિશે ચેતવણીઓ આપી છે અને અમેરિકા આફ્રિકી દેશોને ક્રિમિનલ ડમ્પસાઈટ માનતુ હોવાના આક્ષેપો લગાવ્યા છે.
યુએસના હોમલેન્ડ સિક્યોરિટીના આસિસ્ટન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે એસ્વાટિની ગયેલી ફ્લાઈટમાં બાળકો પર બળાત્કાર, હત્યા, લૂંટ, ગેંગ્સ સાથે સંબંધો અને હોમિસાઈડ્સ ગુનાઓમાં સજા કરાયેલા ખૂંખાર અપરાધીઓ હતા જેમને પરત સ્વીકારવા તેમના દેશોએ સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આ રાક્ષસો અમેરિકન કોમ્યુનિટીઓમાં ત્રાસ ફેલાવતા હતા. હવે તેઓ અમેરિકી ધરતી પર નથી.
ઉલ્લેખનીય છે કે પ્રચારના કેન્દ્રમાં સામૂહિક ડિપોર્ટેશન મુદ્દો ચગાવીને ટ્રમ્પ ચૂંટણી જીત્યા હતા. આ પછી, ટ્રમ્પ વહીવટીતંત્ર ગંભીર અપરાધો માટે સજા કરાયેલા અપરાધોને દેશનિકાલ માટે એસ્વાટિની,લાઈબિરિયા, સેનેગાલ, ગિની-બિસાઉ, મૌરિટાનીઆ અને ગાબોન સહિત આફ્રિકી દેશો સાથે થર્ડ પાર્ટી ડિપોર્ટેશનની વાટાઘાટો ચલાવી રહ્યું છે. કેટલીક આફ્રિકન સરકારો યુએસ અને ટ્રમ્પ સાથે સંબંધો સુધારવા અપરાધીઓને સ્વીકારી લેવા સંમત થઈ છે.