જોહાનિસબર્ગ, નાઈરોબી, કમ્પાલાઃ ટ્ર્મ્પના ટેરિફ્સ સમગ્ર વિશ્વને હચમચાવી રહ્યા છે ત્યારે આફ્રિકા ખંડ નવી વાસ્તવિકતા સાથે કેવી રીતે કામ પાર પાડવું તેની મૂઝવણમાં છે. મોટા ભાગના આફ્રિકન દેશો કેટલાક સૌથી ઊંચા નિકાસ ચાર્જીસનો સામનો કરી રહ્યા છે. જોકે, આફ્રિકાની આ કટોકટી અમેરિકાના કટ્ટર હરીફ ચીન માટે વરદાન બની રહેવાના સંકેત જોવા મળે છે. ચીન ઘણા લાંબા સમયથી આફ્રિકા સાથે વેપારતકની રાહ જોઈ રહ્યું છે અને તેણે આફ્રિકાને લાઈફલાઈન પણ ઓફર કરી છે. આફ્રિકા સાથે વેપાર ડીલ કરવામાં અમેરિકાની નિષ્ફળતા ચીન માટે ખુલ્લી તરફેણ સમાન બનેલ છે.
ચીન આફ્રિકા ખંડ માટે તાજેતરના વર્ષોમાં સૌથી મોટા દ્વિપક્ષીય ટ્રેડિંગ પાર્ટનર તરીકે ઉભરી આવ્યું છે. ચાર આફ્રિકન દેશો – લિબિયા, સાઉથ આફ્રિકા, અલ્જિરિયા અને ટ્યુનિશિયા સામે ટ્રમ્પતંત્રે નિકાસ પર 25થી 30 ટકા સુધીના ઊંચા ચાર્જીસ લાદ્યા છે. અન્ય 18 દેશો સામે 15 ટકાના ટેરિફ લદાયા છે. ટ્રમ્પે અમેરિકા સાથે આફ્રિકન દેશોની વેપારખાઈના આધારે ટેરિફ્સ લાગુ કર્યા છે. આફ્રિકા ખંડના પાવરહાઉસ સાઉથ આફ્રિકાએ ટ્રમ્પના ટેરિફનો ભારે વિરોધ કર્યો છે. બીજી તરફ, ચીને ટ્રમ્પ ટેરિફના મારને હળવો બનાવવાની ઓફર કરી જણાવ્યું છે કે તે તેના લગભગ બધા આફ્રિકન પાર્ટનર્સ પાસેથી આયાત પરના ચાર્જીસ અટકાવી દેશે. મોટા ભાગના આફ્રિકન દેશો માટે યુએસ પરનો આધાર ઘટાડી ચીનને નવા વિકલ્પ તરીકે નિહાળવું જોઈ તેવો મત વધી રહ્યો છે.