કોલકાતાઃ તિબેટને ચીનથી સ્વતંત્રતા નથી જોઈતી, પરંતુ વિકાસ જોઈએ છે. કોલકાતામાં આયોજિત ચેમ્બર ઓફ કોમર્સના એક સેશનમાં તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ આ નિવેદન કર્યું હતું. આ નિવેદન પરથી સાબિત થાય છે કે, તિબેટ અને ચીનને લઈને દલાઈ લામાના અભિગમમાં ધરખમ ફેરફાર થયો છે. દલાઈ લામાએ કહ્યું હતું કે, ચીન અને તિબેટ ખૂબ નજદીકી સંબંધ ધરાવે છે. ભૂતકાળ એ હવે ભૂતકાળ છે. અમે ભવિષ્ય તરફ નજર કરી રહ્યા છીએ. અમે ચીન સાથે જ રહેવા માંગીએ છીએ, પરંતુ હવે અમારે વધુને વધુ વિકાસ જોઈએ છે.
જોકે, ચીને પણ તિબેટની સંસ્કૃતિ અને વારસાનું સન્માન કરવું જોઈએ. ચીનના લોકો પોતાના દેશને જેમ પસંદ કરે છે, એમ અમે પણ તિબેટને ચાહીએ છીએ. ચીનમાં બહુ ઓછા લોકો જાણે છે કે, છેલ્લાં એક દસકામાં તિબેટમાં શું થયું છે. આ દરમિયાન દલાઈ લામાએ ભારત વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો ચાઈનીઝ લોકોની સરખામણીમાં આળસુ છે, પરંતુ એવું વાતાવરણના કારણે હોય એવું મને લાગે છે. ભારત વિશ્વના સૌથી સંતુલિત દેશોમાંનો એક છે. આ ઉપરાંત ભારત વૈવિધ્યસભર પરંપરાઓનું જીવતું જાગતું ઉદાહરણ છે.
ભારતનું ધર્મ આધારિત સહનશક્તિની ભાવના ગજબની છે. અહીં અનેક પરંપરાઓ એકસાથે ચાલે છે. ભારતમાં પણ ધર્મના કારણે ક્યારેક મુશ્કેલીઓ સર્જાય છે, પરંતુ એ રાજકારણના કારણે છે. તિબેટના વૈવિધ્ય વિશે પણ હું આવું જ ગૌરવ લઈ શકું છું. દોકલામ મુદ્દે દલાઈ લામાએ કહ્યું હતું કે, આ ખૂબ નાની મુશ્કેલી હતી. ચાઈનીઝ લશ્કર આવ્યું, થોડો સમય સ્ટેન્ડ ઓફ થયું અને પછી બંને દેશે સૈનિકો પાછા બોલાવી લીધા. હવે ભારત અને ચીને પણ ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ની જેમ સાથે રહેવાનો સમય આવી ગયો છે. એ પછી દલાઈ લામાએ મજાક કરી હતી કે, ભારતીયો સાચું હાસ્ય આપવા જાણીતા છે.