જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં નિર્માણાધીન ચાર માળનું મંદિર ધરાશયી થવાની ઘટનામાં પર વર્ષીય ભારતીય મૂળના શખ્સ સહિત ચાર લોર્કોનાં મોત થયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. ઈથેકવિની (અગાઉ ડરબન)ના ઉત્તરમાં રેડક્લિફના એક પર્વત પર ન્યૂ અહોબિલમ ટેમ્પલ ઓફ પ્રોટેક્શનનું વિસ્તરણ કરાતું હતું ત્યારે ઈમારતનો એક ભાગ તૂટી પડયો હતો. મૃતકોની સંખ્યા વધીને ચાર થઇ ગઇ છે.
મૃતકો પૈકી એકની ઓળખ મંદિર ટ્રસ્ટના એક્ઝિક્યુટીવ સભ્ય અને નિર્માણ પ્રોજેકટના મેનેજર વિક્કી જયરાજ પાંડે તરીકે કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાંડે લગભગ બે વર્ષ પહેલા મંદિરની સ્થાપના સમયથી જ તેના વિકાસ કાર્યોમાં સામેલ હતા. રિએક્શન યુનિટ સાઉથ આફ્રિકાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે બચાવ ટીમને કાટમાળમાં ફસાયા લોકોને બહાર કાઢવાનું કામ રોકવાની ફરજ પડી હતી. મંદિરના કાટમાળમાં કેટલા લોકો દટાયેલા છે તે ચોક્કસપણે કહી શકાયું નથી.
બુર્કિના ફાસોમાં ડેથ પેનલ્ટી પુનઃ દાખલ કરાશે
ઔગાડોગોઉઃ પશ્ચિમ આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં દેશદ્રોહ, આતંકવાદ અને જાસૂસી સહિતના ગંભીર અપરાધો માટે મૃત્યુદંડની સજા પુનઃ દાખલ કરવા નિર્ણય લેવાયો છે.બુર્કિના ફાસોમાં 2018થી ડેથ પેનલ્ટી નાબૂદ કરાઈ હતી, પરંતુ 2022માં બળવા પછી લશ્કરી શાસકોએ ચૂંટણી મુલતવી રાખવા અને સ્વતંત્ર ઈલેક્ટોરલ કમિશનને નાબૂદ કરવા સહિતના શ્રેણીબદ્ધ સુધારાઓ દાખલ કર્યા હતા. મૃત્યુદંડ સંબંધિત સુધારો પણ તેના ભાગરૂપે છે. સૂચિત સુધારો કાયદાનું સ્વરૂપ લે તે પહેલા પાર્લામેન્ટ દ્વારા પસાર કરાય અને કોર્ટ દ્વારા સમીક્ષા થવી આવશ્યક છે. બુર્કિના ફાસોમાં બીબીસી અને વોઈસ ઓફ અમેરિકા રેડિયો સ્ટેશનો પર પ્રતિબંધ લદાયો છે તેમજ ટીકાખોર મીડિયા આઉટલેટ્સને ચૂપ કરી દેવાયાં છે. દેશની પાર્લામેન્ટે 2024માં સમલૈંગિકતાને પ્રતિબંધિત ઠરાવી અપરાધ માટે બેથી પાંચ વર્ષની જેલની સજા જાહેર કરી હતી.

