લંડન, જોહાનિસબર્ગઃ વિશ્વમાં હાથી કે કાચબા સહિત દુર્લભ પ્રાણીઓ જ નહિ, પ્લાન્ટ્સનો પણ ગેરકાયદે વેપાર ફૂલીફાલી રહ્યો છે. ગયા વર્ષે સાઉથ આફ્રિકામાં દુર્લભ પ્રજાતિના અંદાજે 1 મિલિયન પાઉન્ડના મૂલ્યના 303 બુશ લીલીઝ છોડનો ગેરકાયદે વેપાર કરવા બદલ ચાર વ્યક્તિને 15 વર્ષની જેલની સજા કરાઈ હતી. ઈન્ટરપોલ અને વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઈઝેશને ગયા વર્ષે માત્ર સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જ 10 ટનથી વધુ જીવંત છોડવાં અને સંબંધિત ચીજવસ્તુઓ ઝડપી હતી.
ક્રિમિનલ ગેંગ્સ સાઉથ આફ્રિકા, ચિલી જેવા બાયોડાઈવર્સિટી હોટસ્પોટ્સમાંથી દુર્લભ પ્રજાતિના પ્લાન્ટ્સ ગેરકાયદે વેપાર થકી વિદેશના પ્લાન્ટ્સ શોખીનોને મોકલે છે. વાઈલ્ડલાઈફ અનિે પ્લાન્ટ્સના કાયદેસર વેપારની હિમાયત કરતી ચેરિટી ‘ટ્રાફિક’ના રિપોર્ટ અનુસાર એશિયા, યુરોપ, યુકે સહિતના વિસ્તારોમાં છોડ સંગ્રાહકોના કારણે જંગલી છોડવા માટે જોખમ સર્જાયું છે. ગ્લોબલ પ્લાન્ટ પોચિંગ ટ્રેડ વિશે યુકેના ક્યૂ ગાર્ડન્સના સાયન્સ ઓફિસર ડેવિડ વ્હાઈટહેડ કહે છે કે, ‘ઈનડોર પ્લાન્ટ્સ માટે લોકોનો રસ સારો કહેવાય પરંતુ, જંગલી પ્રજાતિના છોડ સામે જોખમ વધે છે. ગેરકાયદે વેપારના કારણે માત્ર છ વર્ષમાં જ ઓછામાં ઓછી 20 પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. આમાંની મોટા ભાગની પ્લાન્ટ પ્રજાતિઓ વિશિષ્ટ વાતાવરણ, વિસ્તારોમાં જ ઉગે છે અને થોડી હજાર પ્રજાતિ રહી છે. ગેરકાયદે પોચિંગની એક જ ઘટના ઘણી પ્રજાતિને નકશામાંથી મીટાવી દે છે.’
સોશિયલ મીડિયા થકી પણ ટ્રેન્ડી પ્લાન્ટ્સની માગ વધે છે. લોકડાઉનના ગાળામાં નાના પાંચીકા જેવા કોનોફાયટમ (Conophytum) નામના માવાદાર જાડા પાંદડાના સક્યુલન્ટ્સ પ્લાન્ટ્સની માગ વધી હતી. શહેરોમાં રહેવાની જગ્યા નાની થતી જાય છે તેમ થોર (કેક્ટસ) પ્રજાતિના અને સક્યુલન્ટ્સ પ્લાન્ટ્સ વધુ લોકપ્રિય બનતા જાય છે. રણપ્રદેશમાં વાતાવરણને અનુકૂળ થવા થોરના છોડને 100 વર્ષ લાગી જાય છે તેને બ્રિટિશ લિવિંગરૂમના ઓછાં પ્રકાશ અને ભેજવાળા વાતાવરણમાં અસ્તિત્વ જાળવવાનું મુશ્કેલ બને છે.
બીજી તરફ, અતિશય ધીમે ઉગતી ‘ટ્રોફી’ ગાંઠ કે કંદ (બલ્બ) સાથેના છોડનું ચલણ બજારમાં વધી રહ્યું છે. દેખાવમાં પાંચ વર્ષના જણાતા ગાંઠીલા છોડ વાસ્તવમાં 50થી 100 વર્ષના હોય છે. તેમની આટલી નાની સાઈઝ તેમના માટે જોખમી બની ગઈ છે.


