નિયામેઃ પશ્ચિમ આફ્રિકાના નાઈજર દેશના ડોસો વિસ્તારમાં 15 જુલાઈએ ક્રૂર આતંકવાદી હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત થયા હતાં અને અન્ય એક ભારતીય નાગરિકનું અપહરણ કરાયું હોવાની ઘટનાને નાઈજરસ્થિત ભારતીય દૂતાવાસે સમર્થન આપવા સાથે પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
ભારતીય દૂતાવાસે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘15 જુલાઈના રોજ નાઈજરના ડોસો વિસ્તારમાં ક્રૂર આતંકવાદી હુમલામાં બે ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે એકનું અપહરણ કરાયું હતું. બે ભારતીયોના મૃતદેહને સ્વદેશ પરત લાવવા અને અપહ્યત ભારતીયની મુક્તિ માટે અમારું મિશન સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.’ નાઈજરસ્થિત તમામ ભારતીયોને સાવધ રહેવા સલાહ અપાઈ છે.
સૂત્રો અનુસાર આ હુમલો રાજધાની નિયામેથી લગભગ 100 કિ.મી.વા અંતરે ડોસો વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ લાઈનના બાંધકામના સ્થળ પાસે થયો હતો. આતંકવાદીઓએ બાંધકામના સ્થળ સુરક્ષા માટે તહેનાત નાઈજર આર્મીના એક યુનિટ પર હુમલો કર્યો હતો. હુમલામાં નાઈજર સૈનિકનું પણ મૃત્યુ થયાના અહેવાલ છે, જોકે સ્થાનિક સત્તાવાળાએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
મૃતકોમાં ઝારખંડના બોકારો જિલ્લાના 39 વર્ષીય પ્રવાસી શ્રમિક ગણેશ કરમાલી અને દક્ષિણ ભારતના એક રાજ્યના કૃષ્ણનનો સમાવેશ થયો હતો. અપહ્યત ભારતીયની ઓળખ જમ્મુ અને કાશ્મીરના વતની અને ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા રણજીત સિંહ તરીકે થઈ છે.