લંડન, નાઈરોબીઃ નાઈજિરિયાના પૂર્વ ઓઈલ મિનિસ્ટર ડિએઝાની એલિસન-માડુએકેને લંડનની સધર્ક ક્રાઉન કોર્ટે લાંચ સ્વીકારવા અને યુકેમાં વૈભવી શૈલીમાં ગંજાવર ખર્ચા કરવાના આરોપોમાંથી મુક્ત કર્યા છે. માડુએકે 2010થી 2015ના ગાળામાં નાઈજિરિયાના ઓઈલ મિનિસ્ટર અને ઓઈલ નિકાસકારોના ગ્રૂપ ઓપેકના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ હતા. કોર્ટના આ ચૂકાદાથી 13 વર્ષથી આફ્રિકાના સૌથી વગશાળી રાજકીય વ્યક્તિત્વોમાં એકની તપાસ ચલાવી રહેલી યુકેની નેશનલ ક્રાઈમ એજન્સીને ભારે ફટકો લાગ્યો છે. કોર્ટ જ્યૂરીએ એલિસન-માડુએકેના 69 વર્ષીય ભાઈ ડોયે અગામાને પણ લાંચના કાવતરાના આરોપોમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
આફ્રિકન અને કેરેબિયન દેશો ગુલામીપ્રથાના વળતર મુદ્દે એકમત
અક્રાઃ ઘાનાની રાજધાની અક્રામાં આફ્રિકન અને કેરેબિયન દેશોની ત્રણ દિવસની કોન્ફરન્સમાં ગુલામીપ્રથાના કારણે લાભ મેળવનારા દેશો પાસેથી સત્તાવાર માફી, ઋણરાહત અને નાણાકીય વળતરની માગને જારદાર સમર્થન અપાયું હતું. અગાઉ, માર્ચ મહિનાની બેઠકમાં યુરોપ અને યુનાઈટેડ સ્ટેટ્સના વિરોધ છતાં ટ્રાન્સએટલાન્ટિક ગુલામીને ‘માનવતા સામે સૌથી ખરાબ અપરાધ’ તરીકેના ઠરાવને માન્યતા અપાઈ હતી.
આફ્રિકન યુનિયન અને કેરેબિયન કોમ્યુનિટી (CARICOM) કમિશન ઓન રેપરેટરી જસ્ટિસ દ્વારા ઠરાવ બહાલ રખાયો હતો. જોકે, તેમાં કયા ચોક્કસ દેશોએ માફી માગવી તે સ્પષ્ટ કરાયું નથી. કોન્ફરન્સમાં ગ્લોબલ રેપરેશન ફંડ, સઘન ઋણરાહત અને અસરગ્રસ્ત દેશો માટે કેન્સલેશન તેમજ ગ્લોબલ સાઉથના દેશો માટે યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે આંતરરાષ્ટ્રીય નાણાસંસ્થાઓમાં સુધારાઓની હાકત કરવામાં આવી હતી. આ ઉપરાંત, લૂંટાયેલી સાંસ્કૃતિક સંપત્તિ અને પૂર્વજોના અવશેષો પરત કરવા, ક્લાઈમેટ જસ્ટિસ ફાઈનાન્સિંગ તેમજ ગુલામીપ્રથા દરમિયાન આફ્રિકન મહિલાઓ અને છોકરીઓ પર કરાયેલા જંગલિયાતપૂર્ણ વ્યવહારને સુધારવાના પગલાં માટે પણ માગણી કરાઈ હતી.
ઈથિયોપિયામાં શાસક પક્ષને ભારે બહુમતી
નાઈરોબીઃ ઈથિયોપિયાના પ્રાઈમ મિનિસ્ટર એબિય અહેમદની પ્રોસ્પરિટી પાર્ટીને આ મહિનાની ચૂંટણીમાં ભારે સંસદીય બહુમતી હાંસલ થઈ છે. પાર્લામેન્ટની કુલ 547 બેઠકમાંથી એબિયની પાર્ટીને 438 બેઠક પર વિજય હાંસલ થયો હતો અને બહુમતી માટે તેને માત્ર 274 બેઠકની જરૂર હતી. જોકે, બે વર્ષના આંતરિક સંઘર્ષ અને રાજકીય અસ્થિરતાના કારણે ટિગ્રાય પ્રદેશ અને અમ્હારાના કેટલાક વિસ્તારોમાં મતદાન થયું ન હતું. એબિયની પાર્ટીને 2021ની ચૂંટણીમાં પણ ભારે બહુમતી પ્રાપ્ત થઈ હતી.
નાઈજિરિયામાં 13,000થી વધુ ત્રાસવાદીનો સફાયો
નાઈજરઃ નાઈજિરિયામાં સશસ્ત્ર જૂથો અને ક્રિમિનલ ગેંગ્સ દ્વારા સામૂહિક હુમલાઓ અને અપહરણો યથાવત રહેવા છતાં દેશના પ્રેસિડેન્ટ બોલા અહેમદ ટિનુબુએ રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં દાવો કર્યો છે કે નાઈજિરિયાના લશ્કરી દળોએ ગયા વર્ષે 13,000થી વધુ ત્રાસવાદીનો સફાયો કર્યો છે.
પ્રેસિડેન્ટ ટિનુબુએ જણાવ્યું હતું કે તેમણે 2023માં સત્તા સંભાળ્યા પછી સશસ્ત્ર બંડખોરો વિરુદ્ધ નાઈજિરિયાની લડાઈમાં મૃત્યુઆંકમાં 81 ટકાનો ઘટાડો થયો છે. તેમના ઓપરેશન સેઈફ કોરિડોર પ્રોગ્રામ હેઠળ 124,000 લડવૈયા અને આશ્રિતોએ શસ્ત્રો હેઠાં મૂકી સ્વૈચ્છિક શરણાગતિ સ્વીકારી છે. નાઈજિરિયામાં ISIL (ISIS) અને અલ કાયદા સાથે સંકળાયેલા સશસ્ત્ર જૂથો તથા ક્રિમિનલ ગેંગ્સ દ્વારા શાળાઓ, ચર્ચીસ, મસ્જિદો અને ગ્રામીણ વિસ્તારોમાંથી ખંડણી માટે નાગરિકોના અપહરણો કરાતા રહ્યા છે. તાજેતરમાં નાઈજિરિયન લશ્કરે ISIL સાથે સંકળાયેલા બોકો હરામ જૂથ દ્વારા અપહરણ કરાયેલા 360 લોકોને ઉત્તર બોર્નો સ્ટેટના પર્વતીય અડ્ડામાંથી બચાવ્યા હતા.
કોકેનની હેરાફેરીમાં 11 ભારતીય ખલાસી અને જહાજને ભારે દંડ
અબુજાઃ નાઈજિરિયાની કોર્ટે દેશમાં કોકેઈન ઘુસાડવાના મામલે 11 ભારતીય ખલાસીઓ અને તેમના જહાજને દોષિત ઠરાવી કુલ 6 મિલિયન ડોલરનો જંગી દંડ ફરમાવ્યો હતો. લાગોસસ્થિત ફેડરલ હાઈ કોર્ટે મર્ચન્ટ શિપ MV અરુણા હુલ્યાના ભંડકિયામાં છુપાવાયેલા 31.5 કિલોગ્રામ કોકેઈનને અપાપા પોર્ટ પર ઝડપી લેવાના મામલે આ સજા ફરમાવી હતી.
મર્ચન્ટ શિપ MV અરુણા હુલ્યાના કેપ્ટન શર્મા શશી ભૂષણ અને અન્ય 10 ભારતીય નાગરિકોની ગત જાન્યુઆરીમાં ધરપકડ કરાઈ હતી. કોર્ટે નાઈજિરિયાના ડ્રગવિરોધી કાયદા અન્વયે ડ્રગ્સને ટ્રાન્સપોર્ટ કરનારા જહાજ સહિત 12 આરોપીને દોષી ઠરાવ્યા હતા. દરેક ખલાસીને 100,000 નાઈરા અને જહાજને 5.3 મિલિયન ડોલરનો દંડ ચૂકવવા આદેશ કરાયો હતો. જહાજના માલિકો દંડ ન ભરે તો જહાજની હરાજી કરવામાં આવશે. જહાજ પરના ત્રણ વરિષ્ઠ અધિકારીએ 100,000-100,000 ડોલર તથા દરેક ખલાસીએ 50,000 ડોલરનો દંડ ભરવાનો રહેશે. આમ, કુલ નાણાકીય પેનલ્ટી આશરે 6 મિલિયન ડોલર થવા જાય છે.
યુગાન્ડામાં વિપક્ષી નેતાના વકીલની ધરપકડ
કમ્પાલાઃ યુગાન્ડાના સુરક્ષા દળોએ વરિષ્ઠ વિપક્ષી અગ્રણી અને વકીલ એરિઆસ લુકવાગોની ધરપકડ કરી છે. તેઓ પીપલ્સ ફ્રન્ટ ફોર ફ્રીડમ (PFF) પાર્ટીના નેતા અને દેશદ્રોહનો આરોપ લગાવાયેલા કિઝા બેસિગ્યેના ખટલામાં પેરવી કરી રહ્યા છે. યુગાન્ડાની રાજધાની કમ્પાલાના પૂર્વ મેયર લુકવાગો દેશના લશ્કરી વડા અને પ્રેસિડેન્ટ મુસેવેનીના પુત્ર મુહૂઝી કાઈનેરુગાબા વિરુદ્ધ બેસિગ્યેના કેસમાં પણ વકીલ છે. ઉલ્લેખનીય છે કે યુગાન્ડાના સૌથી મોટા વિપક્ષી નેતા, પોપ સિંગરમાંથી રાજનેતા બનેલા બોબી વાઈન હાલ યુએસએમાં દેશનિકાલની હાલતમાં છે. વાઈને જણાવ્યું હતું કે લશ્કરી વડા કાઈનેરુગાબાના આદેશથી સૈનિકો લુકવાગોનું અપહરણ કરી અજાણ્યા સ્થળે લઈ ગયા હતા.


