નાસાને વિક્રમ લેન્ડરનો કાટમાળ નજરમાં આવ્યો!

Wednesday 04th December 2019 06:18 EST
 
 

નવી દિલ્હીઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના ચંદ્રયાન મિશનના એક હિસ્સા એવા વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટને બદલે હાર્ડ લેન્ડિંગ કર્યાના ત્રણ મહિના બાદ, અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ જણાવ્યું છે કે લેન્ડરનો કાટમાળ એની નજરમાં આવ્યો છે. એજન્સીએ ટ્વિટ કરીને એની તસવીરો પણ શેર કરી છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)નું કહેવું છે કે તેના લૂનર રિકોનિસન્સ ઓર્બિટર (એલઆરઓ) પરના કેમેરાએ ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનો કાટમાળ જોયો છે. ‘નાસા’ એજન્સીએ ટ્વિટ કરેલી તસવીરમાં બ્લુ અને લીલા રંગના ડોટ્સ દ્વારા વિક્રમ લેન્ડરના કાટમાળવાળી જગ્યા બતાવી છે. તસવીરમાં લીલા રંગના ડોટ્સ દ્વારા વિક્રમ લેન્ડરના કાટમાળને રેખાંકિત કરાયો છે જ્યારે બ્લુ ડોટ્સ વડે લેન્ડરના ક્રેશ થવાથી ચંદ્રની સપાટી પર આવેલા ફેરફારને બતાવવામાં આવ્યો છે.
ચેન્નાઈના શન્મુગા સુબ્રમણ્યન નામના એક ભારતીય કમ્પ્યુટર પ્રોગ્રામર અને મિકેનિકલ એન્જિનિયરે ‘નાસા’ના એલઆરઓ પ્રોજેક્ટના વિજ્ઞાનીઓનો સંપર્ક કરીને ‘નાસા’ એજન્સી તરફથી વિક્રમ લેન્ડરની સ્થિતિ વિશેનું સમર્થન મેળવ્યું છે. ‘એસ’ અક્ષર વડે લેન્ડરના એ કાટમાળને બતાવાયો છે જેની ઓળખ શન્મુગ સુબ્રમણ્યને કરી હતી. ‘નાસા’ સંસ્થાએ કહ્યું છે કે, શન્મુગા સુબ્રમણ્યને અમારા પ્રોજેક્ટનો સંપર્ક કર્યો હતો અને કાટમાળની ઓળખ કરવા કહ્યું હતું. અમારી એલઆરઓ પ્રોજેક્ટ ટીમે ચંદ્રની સપાટી પરની તસવીરોની તુલના, ચકાસણી કર્યા બાદ નિશ્ચિત કર્યું છે કે એ કાટમાળ વિક્રમ લેન્ડરનો છે.
‘નાસા’ એજન્સીએ કહ્યું કે, કાટમાળ પર સૌથી પહેલાં નજર શન્મુગાની પડી હતી. એ સ્થળ ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર ક્રેશ થયું એનાથી આશરે ૭૫૦ મીટર વાયવ્ય ખૂણે છે. વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટીની આટલી બધી નજીક લઈ જવામાં સફળ થવા બદલ નાસા એજન્સીએ ભારતની ઈસરો સંસ્થાની પ્રશંસા કરી છે.
કમનસીબે, ૭મી સપ્ટેંબરે વિક્રમ લેન્ડર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરે એની અમુક જ મિનિટો પૂર્વે ઈસરોના વિજ્ઞાનીઓ એની સાથેનો સંપર્ક ગુમાવી બેઠા હતા. ‘નાસા’ એજન્સીએ કહ્યું છે કે વિક્રમ લેન્ડરને ગુમાવી દેવા છતાં એને ચંદ્રની સપાટીની આટલી બધી નજીક લઈ પહોંચાડવામાં આવ્યું તે ‘ઈસરો’ની રોમાંચક સિદ્ધિ ગણાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter