નીરવ મોદીના મુંબઈ સ્થિત રૂ. ૧૦૦ કરોડના બંગલાને તોડવાનો પ્રારંભ

Wednesday 30th January 2019 07:34 EST
 
 

મુંબઈઃ અલીબાગના કિહિમ બીચ પર દરિયા કિનારે આવેલા પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીના બંગલા પર આખરે ૨૫મીએ હથોડો વિંઝાયો હતો. સિનિયર ડિસ્ટ્રિકટ ઓફિસર શારદા પોવારની દેખરેખ હેઠળ ૨૫મીએ બપોરે ૩ વાગ્યાથી બંગલો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. એ માટે ખાસ એક જેસીબી મશીન કામે લગાડાયું હતું.
બંગલાનું મજબૂત બાંધકામ અને તેનો વ્યાપ જોતા આ તોડકામ સાત દિવસ સુધી ચાલી શકે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે એ બંગલો જમીનદોસ્ત થાય એ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ૨૪મીથી જ તેમાંનો કિંમતી સામાન અન્યત્ર ખસેડવાની કાર્યવાહી ચાલુ કરી દીધી હતી. ઈડી દ્વારા બે ટ્રક ભરીને કિંમતી અને વૈભવી વસ્તુઓ અજાણી જગ્યાએ લઇ જવાઈ હતી.
બ઼ોલિવૂડની અનેક સેલિબ્રિટીઓ અને મુંબઈના અનેક શ્રીમંતોએ અલીબાગના દરિયા કિનારે વર્સોલી, સાસવણે, કોલગાવ, અને ડોકવડે ગામમાં સીઆરઝેડના નિયમોનો ભંગ કરી મોટી જગ્યાઓ પર ગેરકાયદે વૈભવી બંગલા બાંધ્યા છે. જેમાં એક બંગલો નીરવ મોદીનો પણ છે. આવા કુલ ૧૬૦ જેટલા ગેરકાયદે બંગલા ત્યાં બંધાયા છે. જેને હવે એક પછી એક તોડવામાં આવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter