નેપાળે ફરી લિપુલેખ - કાલાપાની વિવાદ છંછેડ્યો

ભારત સાથેની બોર્ડર નજીક રસ્તા બનાવવાનું શરૂ કર્યું

Wednesday 27th May 2020 06:29 EDT
 
ભારત સરકારે તૈયાર કરેલા ધારચૂલા-િલપુલેખ માર્ગનું આઠમી મેના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વેબલિન્કના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. કૈલાસ માનસરોવરના પ્રવાસીઓથી માંડીને ભારત-ચીન વેપારમાં ઉપયોગી એવા આ રસ્તાના નિર્માણથી નેપાળના પેટમાં તેલ રેડાયું છે.
 

નવી દિલ્હી, પિથોરાગઢ: કોરોનાના કેર વચ્ચે પાકિસ્તાન અને ચીને ભારતની સરહદ પર સૈનિકો તહેનાત કરીને તંગદિલી વધારી છે ત્યારે ચીનના ઈશારે નેપાળે પણ ભારત સાથે અવળચંડાઈ શરૂ કરી છે.
પહેલા નેપાળે લીપુલેખ અને કાલાપાનીના વિસ્તારોને તેના નકશામાં દર્શાવીને વિવાદ છેડયો. હવે તેણે ભારતની ર્બોર્ડરને અડીને આવેલા વિસ્તારમાં રસ્તો બનાવવાનું શરૂ કર્યું છે. ૨૦૦૮માં આ રસ્તો બનાવવા મંજૂરી અપાઈ હતી પણ કોઈ કારણોસર કોન્ટ્રેકટર કામ અધૂરું મૂકીને ભાગી ગયો હતો. હવે ૧૨ વર્ષ પછી તેણે ફરી રસ્તો બનાવવાનું કામ શરૂ કરીને ભારત સામે ઉશ્કેરણીજનક પગલાં લીધાં છે.
આ રસ્તો ઉત્તરાખંડનાં ધારચૂલાથી પસાર થાય છે. સૂચિત રોડનો ૫૦ કિલોમીટર જેટલો રસ્તો ભારતની સરહદને અડીને પસાર થાય છે. આ રસ્તો ચીન અને નેપાળ વચ્ચેના વેપાર માટે ખૂબ મહત્ત્વનો મનાય છે. તે ટિનકર પાસથી નેપાળ થઈને ચીન તરફ જઈ રહ્યો છે. રસ્તાનું અધૂરું કામ હવે નેપાળની સેનાને પૂરું કરવા આદેશ આપ્યો છે.

નેપાળ આર્મી બેઝ કેમ્પ બનાવે છે 

ભારતે ધારચૂલાથી લિપુલેખ રસ્તો ખોલતા નેપાળે ભારે વિરોધ કર્યો છે. નેપાળે કહ્યું કે તેનો કેટલોક ખીણ વિસ્તાર નેપાળની સીમામાં આવે છે. ભારતે તેને સાફ સાફ જણાવ્યું છે કે આ વિસ્તાર સંપૂર્ણપણે ભારતની સરહદમાં છે. નેપાળે જો વિરોધ જ કરવો હતો તો રસ્તો બનાવ્યો ત્યારે કેમ ન કર્યો તેવો ભારતનો સવાલ છે? નેપાળ આર્મીએ હવે અહીં ૮૭ કિ.મી. માર્ગનું કામ શરૂ કર્યું છે. આ માટે નેપાળ આર્મીએ ઘટિયાબધારમાં બેઝ કેમ્પ બનાવવાનું શરૂ કર્યું છે.

નજર રાખવા નેપાળ કોરિડોર બનાવશે

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લા નજીકની સરહદ પર ત્રણ બોર્ડર આઉટ પોસ્ટ બનાવ્યા પછી હવે નેપાળે કાલાપાની અને કાઠમંડુ વચ્ચે કોરીડોર બનાવવા પર કામ શરૂ કર્યું છે. અહીંથી નેપાળી સૈન્ય લિપુલેખ અને કાલાપાની પર નજર રાખશે. કોરિડોરના નિર્માણ માટે ૨૨ મેથી હેલિકોપ્ટરની એક વિશેષ ટુકડી સુદૂર પશ્ચિમ નેપાળના ઘાંટીબગર પહોંચી હતી. અહીં સૈન્યની એક પ્લાટૂન પણ નિયુક્ત રહેશે અને તેની દેખરેખમાં કોરિડોરનું કામ ચાલશે. કાઠમંડૂ-મહાકાલી કોરિડોર વ્યૂહાત્મક રૂપે ઘણો મહત્વપૂર્ણ મનાય છે. તેના હેઠળ પિથોરાગઢ જિલ્લા નજીક નેપાળના દાર્ચુલા-ટિંકર સુધી રસ્તો બનશે.

નેપાળને દુખે છે પેટ અને કુટે છે માથું

ભારતે ધારચૂલાથી લિપુલેખના વિસ્તારને જોડતા ૮૦ કિ.મી. લાંબા રોડનું બાંધકામ કરીને આઠમી મેના રોજ ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના હસ્તે તવાઘાટ-લિપુલેખ માર્ગનું ઉદ્ઘાટન કરાયું હતું. આ રસ્તો બન્યા પછી કૈલાસ માનસરોવર જવા માટેનો સમય ઘટશે. આ રસ્તો ભારતે બનાવતા નેપાળનાં પેટમાં તેલ રેડાયું છે.

વિવાદ જ નથી તો ઊભો શા માટે કરવો?ઃ ભારત

ભારત અને નેપાળ વચ્ચે કાલાપાની બોર્ડર વિવાદ ઘણા સમયથી ચાલ્યો આવે છે. નેપાળ આ મુદ્દે ભારત સાથે વાતચીત કરવા માગે છે. બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા વિવાદ ઉકેલવો જરૂરી હોવાનું નેપાળનું માનવું છે. ભારતની દલીલ છે કે જે વિસ્તાર માટે અત્યાર સુધી કોઈ વિવાદ જ સર્જાયો નથી તેને શા માટે ઊભો કરવો?
નેપાળે તેના નવા નકશામાં ભારતનો ૩૯૫ ચોરસ કિમી વિસ્તાર નેપાળમાં દર્શાવ્યો છે જેમાં લિપિયાધૂરા, લિપુલેખ અને કાલાપાની તેમજ ગુંજી, નાભી અને કુંટી ગામ નેપાળમાં દર્શાવાયા છે. ભારતે તેનો ઉગ્ર વિરોધ કરીને તેને ભારતની અખંડતા તેમજ સાર્વભૌમત્વ સામે દખલ ગણાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter