કાઠમંડુ: નેપાળની સંસદ પ્રતિનિધિ સભાએ નવા રાજકીય નક્શા માટે લવાયેલા બંધારણીય સુધારાને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. નેપાળના વડા પ્રધાન કે. પી. ઓલીની સરકાર રાજકીય નક્શા અને એક નવા રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નને માન્યતા આપવાનો પ્રસ્તાવ પ્રતિનિધિ સભા સમક્ષ રજૂ કર્યો હતો. નેપાળની સંસદના નીચલા ગૃહે ચર્ચા વિચારણા પછી તેને મંજૂરી આપી હતી.
નેપાળે નક્શામાં ભારતના હિસ્સાના લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળનો હિસ્સો ગણાવાયો છે. જોકે ભારત સરકાર આ રાજકીય નક્શાને ફગાવી ચૂકી છે અને તેને નેપાળનું એકતરફી પગલું ગણાવતા તેને અસ્વીકાર્ય ગણાવ્યો છે. આ વિવાદના લીધે ઓલીએ અગાઉ જ નેપાળમાં પ્રવેશ માટે ખુલ્લી સરહદોને બંધ કરી દેવાનું જાહેર કર્યું હતું.
નેપાળ અને ભારત વચ્ચે અત્યાર સુધી અંદાજે ૧૭૦૦ કિ.મી. ખુલ્લી સરહદો હતી. ઓલીના પ્રધાનમંડળે સરહદ વ્યવસ્થાપન અને સલામતીના નામે કડકાઇ દર્શાવતા સરહદી ક્ષેત્રમાં સૈન્ય ગોઠવવાન પરવાનગી આપી છે. આમ પહેલી વખત નેપાળ-ભારત સરહદે સૈન્ય ગોઠવાઇ રહ્યું છે.
મૈત્રીસંધિનો ભંગ કરાયો
ઉલ્લેખનીય છે કે નેપાળની ડાબેરી પાર્ટી જેની વિરુદ્ધમાં જ રહી છે તે નેપાળ - ભારત વચ્ચે સરહદને નિયંત્રિત કરવી, બંધ કરવી અને સૈન્ય ગોઠવવું એ બન્ને દેશો વચ્ચે ૧૯૫૦માં થયેલી મૈત્રી સંધિનો આ સુધારાથી નેપાળે ભંગ કર્યો છે.