કમ્પાલાઃ ન્યૂ યોર્ક સિટીના મેયરપદે ઝોહરાન મામદાનીના અભૂતપૂર્વ વિજય સાથે તેમના જન્મસ્થળ યુગાન્ડામાં પણ પરિવર્તનની આશાલહેર સર્જાઈ છે. લગભગ 40 વર્ષથી શાસન કરી રહેલા પ્રમુખ યોવેરી મુસેવેનીને દૂર કરી શકાય તેવી પ્રેરણા દેશના રાજકારણીઓ અને યુવાનોને પ્રાપ્ત થઈ છે. રાજધાની કમ્પાલામાં ઘણા લોકોએ મામદાનીના વિજયની ઊજવણી પણ કરી હતી. ઘણા યુગાન્ડાવાસીઓ માટે આફ્રિકા અને એશિયામાં મૂળ ધરાવતા યુવાન મુસ્લિમ મામદાનીનો વિશ્વની સૌથી શક્તિશાળી લોકશાહીમાં અસંભવિત ઉદય પ્રેરણાદાયી સંદેશો લઈને આવ્યો છે.
યુગાન્ડાના 81 વર્ષીય પ્રેસિડેન્ટ મુસેવેની જાન્યુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં સતત સાતમી ટર્મ માટે ઉમેદવારી કરવાના છે. તેમણે નિવૃત્ત થવાની હાકલોને નકારી કાઢતા અસ્થિર રાજકીય સ્થિતિ પ્રવર્તવાનો ભય સર્જાયો છે. વિપક્ષી નેતાઓ જણાવે છે કે યુગાન્ડામાં પણ મામદાનીના વિજયે ઉત્તેજના સર્જી છે. દમનકારી રાજકીય પરિસ્થિતિનો સામનો કરી રહેલા યુગાન્ડનો માટે મુક્તિ હજુ દૂર છે છતાં, મામદાનીની સફળતા પ્રેરણા આપે છે. જોકે, યુગાન્ડામાં વિપક્ષી રાજકારણીઓ સમક્ષ અલગ પડકારો છે. પ્રમુખ મુસેવેનીએ જાન્યુઆરીની ચૂંટણી અગાઉથી જ વિરોધીઓ પર ત્રાટકવાની શરૂઆત કરી દીધી છે.
મામદાનીનો જન્મ યુગાન્ડાના કમ્પાલામાં 1991માં થયો હતો અને પાંચ વર્ષની વયે તેઓ યુગાન્ડા છોડી પિતા સાથે સાઉથ આફ્રિકા અને પછી યુએસ પહોંચ્યા હતા. તેમણે 2018માં નેચરાલાઈઝ્ડ યુએસ નાગરિક બન્યા પછી પણ યુગાન્ડાનું નાગરિકત્વ જાળવી રાખ્યું છે. કમ્પાલામાં તેમનું પારિવારિક મકાન છે અને અવારનવાર ત્યાં મુલાકાત લેતા રહે છે.


