કમ્પાલાઃ આફ્રિકાના યુગાન્ડાના ટૂરો કિંગ્ડમના 34 વર્ષીય યુવા રાજા કિંગ ઓયો ન્યિમ્બા કાબામ્બા ઈગુરુ રુકિડી ચતુર્થના નિધન પછી નવા રાજવી તરીકે કોણ આવશે તેના વિવાદ બાદ આખરે 56 વર્ષીય પત્રકાર એડવર્ડ રુકિડી કિજાનાન્ગોમાની નવા રાજા તરીકે પસંદગી કરવામાં આવી છે. શાહી પસંદગી સમિતિએ કિંગ ઓયો ન્યિમ્બાના પિતરાઈને રાજગાદીની જવાબદારી સુપરત કરી છે. ઉત્તરાધિકારનો વિવાદ સમાપ્ત થતા એડવર્ડ રુકિડી કિજાનાન્ગોમા બાટૂરો કબીલાના લોકોના 13મા રાજવી બન્યા છે.
ટૂરોની રાજધાની ફોર્ટ પોર્ટલમાં પરંપરાગત વિધિ અને તાજ મેળવવાની બનાવટી લડાઈ પછી કિજાનાન્ગોમાએ શાહી એડવર્ડ રુકિડી ન્યાબોન્ગો પ્રથમ નામ ધારણ કર્યું હતું. કિજાનાન્ગોમા સરકારી પ્રસારસંસ્થા UBCમાં 21 વર્ષથી ન્યૂઝ એન્કર અને એડિટરની કામગીરી સંભાળી રહ્યા હતા.
કિંગ ઓયો ન્યિમ્બાએ ત્રણ વર્ષની વયથી રાજગાદી સંભાળી હતી અને કેન્સરના કારણે ગયા મહિને તેમનું નિધન થયું હતું. તેમની માતાએ જાહેર નહિ કરાયેલા પૌત્ર માટે રાજગાદીનો દાવો કરતા વિવાદ સર્જાયો હતો. જોકે, મૃત રાજાના કોઈ વારસદાર પુત્ર હોવાનું અગાઉ જાહેર કરાયું ન હતું. યુગાન્ડા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ સાથેની બંધારણીય લોકશાહી છે, પરંતુ સંસ્થાનવાદ અગાઉના ચાર કબીલાના રાજાઓ ઓળખ અને વિરાસતના પ્રભાવશાળી પ્રતીક છે. આ રાજાશાહીને રાજકીય સત્તા ન હોવાં છતાં, સાંસ્કૃતિક નેતા તરીકેની માન્યતા પ્રાપ્ત છે.


