પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું કાર અકસ્માતમાં મોત

Tuesday 06th May 2025 14:05 EDT
 
 

કમ્પાલાઃ યુગાન્ડાના 35 વર્ષીય અગ્રણી અને પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું શનિવાર, 3મેએ કમ્પાલા સધર્ન બાયપાસ હાઈવે પર કાર અકસ્માતમાં કરૂણ મોત નીપજ્તા ચોતરફ આઘાત અને ઊંડા શોકનો માહોલ સર્જાયો હતો. આફ્રિકા, યુગાન્ડાના બિલિયોનેર બિઝનેસમેન ડો. સુધીરભાઈ રૂપારેલિયાના એક માત્ર પુત્ર રાજીવ રૂપારેલિયા વિશ્વભરમાં ‘ગોડઝિલા’ નામે પ્રખ્યાત તેમની હાઈ પરફોર્મન્સ કાર નિસ્સાન GTR (UAT 638L)માં કાજ્જાન્સીથી મુન્યોન્યો તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર વાકિસો ડિસ્ટ્રિક્ટના બુસાબાલા ફ્લાયઓવરના વળાંક નજીક પેવમેન્ટ બેરીઅર્સ સાથે અથડાઈ હતી અને તેમાં આગ લાગી હતી. 3 મે 2025ની વહેલી સવારના 1.54 કલાકની દુર્ઘટનામાં વાહનચાલક રૂપારેલિયાએ હંગામીપણે રખાયેલા પેવમેન્ટ સાથે અથડાયા પછી વાહન પર કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં તેઓ તત્કાળ ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.

35 વર્ષીય રાજીવ રૂપારેલિયા રીઅલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, એજ્યુકેશન, એગ્રિકલ્ચર અને ફાઈનાન્સ સહિતના ક્ષેત્રોમાં ઈન્વેસ્ટ્સ કરતા ખાનગી માલિકીના મહાકાય ઉદ્યોગજૂથ રૂપારેલિયા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નેતૃત્વ માટે વ્યાપક પ્રતિષ્ઠા ધરાવતા હતા. તેમના અવસાનથી યુગાન્ડાની બિઝનેસ અને ડાયસ્પોરા કોમ્યુનિટી શોકગ્રસ્ત બની છે. તેઓ તેમની પાછળ પત્ની નૈયા અને તેમના બાળકોને વિલાપ કરતા છોડી ગયા છે.

કાર અથડામણ પછી આગના ગોળામાં ફેરવાઈ

રાજીવ રૂપારેલિયાની વ્હાઈટ નિસ્સાન GTR કાર અથડામણ પછી આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી જેણે ડો. સુધીરભાઈ રૂપારેલીઆના એક માત્ર પુત્રને ભરખી લીધા હતા. ટ્રાફિક પોલીસે અકસ્માતને એક વાહનની દુર્ઘટના તરીકે ગણાવી જણાવ્યું હતું કે,‘ વાહન ટેમ્પરરી કોન્ક્રીટ માળખાં સાથે અથડાયું હતું અને આગ લાગતા પહેલાં ઊંધુ પડ્યું હતું. તપાસ ચાલી રહી છે.’ પોલીસે જણાવ્યું હતું કે તેઓ ભારે ગતિ સાથે પેવમેન્ટ બેરીઅર્સ સાથે ટકરાયા હતા. કાર આકાશમાં આશરે આઠ મીટર ઊંચે ફંગોળાઈ હતી. એમ કહેવાય છે કે રાજીવ તાજેતરમાં જ લંડનથી પરત ફર્યા હોઈ તેમને બેરીઅર્સ વિશે જાણકારી ન હોય તે શક્ય છે. લોકોએ માર્ગોની હાલત વિશે પણ રોષ વ્યક્ત કર્યો હતો.

મોટોસ્પોર્ટના ઉત્સાહી શોખીન અને રેલી ડ્રાઈવર

યુગાન્ડાના બિઝનેસ દિગ્ગજ ડો. સુધીરભાઈ રૂપારેલિયાના પુત્ર રાજીવનો જન્મ 2જાન્યુઆરી, 1990ના દિવસે થયો હતો. તેમણે યુકેમાં અભ્યાસ કરી રીજેન્ટ્સ યુનિવર્સિટી લંડનમાંથી ફાઈનાન્સિયલ મેનેજમેન્ટની ડીગ્રી હાંસલ કરી હતી. તેઓ 2014માં યુગાન્ડા પરત થયા હતા અને ધીમે ધીમે પારિવારિક બિઝનેસમાં પલોટાયા હતા. તેઓ 2017 સુધીમાં મેનેજિંગ ડાયરેક્ટરના પદે પહોંચ્યા હતા અને સ્પેકે એપાર્ટમેન્ટ્સ, કિંગ્ડમ કમ્પાલા અને કમ્પાલા બૂલેવાર્ડ જેવા ગ્રૂપના લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ પર દેખરેખ રાખી હતી. તેઓ માત્ર તેમની ધંધાકીય ચતુરાઈ માટે નહિ, માનવતા, વિનમ્રતા, ઊર્જાસભર તાજગી અને રાષ્ટ્રપ્રેમ માટે પણ જાણીતા હતા. તેમની આગેવાની હેઠળ રૂપારેલિયા ગ્રૂપે નવતર પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા, હાલ કાર્યરત ઓપરેશન્સને આધુનિક બનાવ્યા હતા અને સમગ્ર યુગાન્ડામાં હજારો નોકરીઓનું સર્જન કર્યું હતું. તેઓ બિઝનેસ ઉપરાંત, મોટોસ્પોર્ટના ઉત્સાહી શોખીન અને રેલી ડ્રાઈવર હતા અને યુગાન્ડામાં રેલી રેસને ચેતનવંતી બનાવવા રાજીવ રૂપારેલિયા રેલી ટીમની સ્થાપના પણ કરી હતી. તેમની ઊર્જા અને તાજગીપૂર્ણ યુવાનીએ તેમને કોર્પોરેટ અને સ્પોર્ટિંગ કોમ્યુનિટીઓમાં લોકપ્રિય બનાવ્યા હતા. તેઓ એજ્યુકેશન, હેલ્થકેર અને પર્યાવરણીય ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કરતા રૂપારેલિયા ફાઉન્ડેશન મારફત માનવતાવાદી કાર્યો કરવા માટે પણ પ્રખ્યાત હતા. રૂપારેલિયા ફાઉન્ડેશન શૈક્ષણિક સુધારા, સ્વચ્છ જળ ઈનિશિયેટિવ્ઝ અને વંચિતો માટે નાણાકીય સાક્ષરતા પ્રોગ્રામ્સ માટે કાર્યરત છે.

સંવેદના અને શ્રદ્ધાંજલિનો ધોધ વહ્યો

યુગાન્ડામાં તમામ ક્ષેત્રો-રાજકારણથી માંડી એન્ટ્રેપ્રીન્યોર્સ અને સામાન્ય માનવીઓએ પણ રાજીવ રૂપારેલિયાના આકસ્મિક મોત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પાર્લામેન્ટના સ્પીકર અનિતા આમોન્ગ અને વિપક્ષી નેતા બોબી વાઈને હૃદયસ્પર્શી શોકાંજલિમાં રાજીવને ‘જેમની વિરાસત હંમેશાં યાદ રહે તેવા ઉત્સાહપૂર્ણ અને વિઝનરી નેતા’ ગણાવ્યા હતા. X (પૂર્વ ટ્વીટર), યૂટ્યૂબ સહિતના સોશિયલ પ્લેટફોર્મ્સ અને સ્થાનિક સમાચાર આઉટલેટ્સમાં શ્રદ્ધાંજલિનો ધોધ વહ્યો હતો. લોકોએ રાજીવને યુવાઓની આગેવાની હેઠળના ઈનિશિયેટિવ્ઝ અને રાષ્ટ્રીય ઉદ્દેશોને હંમેશાં સમર્થન આપતા ઉદાર વ્યક્તિત્વ તરીકે યાદ કર્યા હતા. અકસ્માતના સમાચારે સોશિયલ મીડિયા પર આઘાત પ્રસરાવ્યો હતો અને શોકસંદેશાનો ધોધ વહેવા લાગ્યો હતો. રાજીવે કાર દુર્ઘટનાનાં માત્ર 15 કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર પોતાના બાળકની તસવીર શેર કરી હતી. આ નાજૂક ક્ષણોએ તેમના મિત્રો અને ફોલોઅર્સને રડાવી દીધા હતા. લોકોએ રાજીવને વિઝનરી, દયાળુ આત્મા અને પેઢીના અગ્રણી તરીકે લેખાવ્યા હતા.

રાજીવ રૂપારેલિયા યુકેથી પરત કેમ ફર્યા?

રાજીવ તેમના ગાઢ મિત્ર અને પૂર્વ ડેપ્યુટી ચીફ જસ્ટિસ રિચાર્ડ બુટીરાના પુત્ર જોનાથન બાહિઝી બુટીરાના લગ્નમાં ભાગ લેવા યુકેથી કમ્પાલા પરત ફર્યા હતા. તેઓ શનિવારની સવારે કમ્પાલાના ઓલ સેઈન્ટ્સ કેથ્રેડલમાં યોજાનારા સમારંભના સાત અણવરોમાં એક હતા. આ સમારંભ શોકની છાયામાં પૂર્ણ કરાયો હતો. તેમાં દેશના કેન્દ્રીય વ્યક્તિત્વોમાં એકની અનુપસ્થિતિ સહુને સાલતી હતી. બિઝનેસ અને મોટરસ્પોર્ટ સર્કલ્સમાં ઉભરતા સિતારાની ચિરવિદાયથી સહુ શોકાતુર હતા.

-----------------------

મંગળવાર 6 મેએ અંતિમ સંસ્કાર

રાજીવ રૂપારેલિયાના અંતિમ સંસ્કાર મંગળવાર 6 મેએ મંગળવારેયોજાશે તેમ પરિવાર દ્વારા સત્તાવારપણે જાહેર કરવામાં આવ્યું હતું. રૂપારેલિયા પરિવારે જણાવ્યું હતું કે ‘ અમારા પુત્ર રાજીવ રૂપારેલિયાનું આજે વહેલી સવારે અવસાન થયું છે. પરિવાર આ મુશ્કેલ અને શોકગ્રસ્ત સમયમાં તેમની પ્રાઈવસી જાળવવા વિનંતી કરે છે. મંગળવાર બપોરે 2.30 કલાકે લુગોગોસ્થિત હિન્દુ ક્રીમેટોરિયમ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.’ પરિવારના નિવેદનમાં યુગાન્ડાના બિઝનેસ અને સામાજિક ફલક પર ઉષ્મા અને કરિશ્માનું સ્મરણ કરાવતા રાજીવ રૂપારેલિયાના હસતા ચહેરાને દર્શાવાયો હતો. અંતિમ સંસ્કારના દિવસ સુધી પરિવારના કોલોલોસ્થિત નિવાસસ્થાને ભજન અને પ્રાર્થના યોજવામાં આવ્યા હતા.

-----------------------

યુગાન્ડા હાઈ કમિશને શોક વ્યક્ત કર્યો

લંડનસ્થિત યુગાન્ડા હાઈ કમિશનના તમામ સભ્યોએ ઊંડા આઘાત અને ભારે દુઃખ સાથે યુગાન્ડા કોમ્યુનિટીના તેજસ્વી અને ઉત્સાહી યુવા સભ્ય શ્રી રાજીવ રૂપારેલિયાની અકાળે ચિરવિદાયનો શોક વ્યક્ત કર્યો હતો.

યુગાન્ડા હાઈ કમિશનના નિવેદનમાં જણાવાયું હતું કે,‘જ્યોત્સનાબહેન રૂપારેલિયા અને ડો. સુધીર રૂપારેલિયાના પ્રેમાળ પુત્ર રાજીવ ઉત્સાહી યુગાન્ડન હોવા સાથે યુવા પેઢી માટે આશા અને પ્રેરણાનું પ્રતીક હતા. તેમની ઊર્જા, મહત્ત્વાકાંક્ષા અને અનુકંપાએ અહીં લંડનમાં તેમને જાણનારા અમારા સહુ પર અમીટ છાપ છોડેલી છે. તેમની સાથે હૃદય જોડાયેલું હોય તે સહુ માટે રાજીવનું મૃત્યુ ભારે ખોટ અનુભવનારું છે. યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાણી અને લંડનસ્થિત યુગાન્ડા હાઈ કમિશન વતી અમે સહુ સભ્યો રૂપારેલિયા, ઠકરાર અને નાગરેચા પરિવારો, મિત્રો અને બધા યુગાન્ડાવાસીઓને હૃદયપૂર્વક દિલસોજી પાઠવીએ છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter