નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મામલે ભારત-કેનેડા સંબંધોમાં તંગદિલી પ્રવર્તે છે. કોંગ્રેસના સાંસદ, વિદેશનીતિની બાબતોના નિષ્ણાતોમાં સામેલ શશી થરુરે પણ એક લેખમાં પશ્ચિમી દેશોની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. નિજ્જરની હત્યા મુદ્દે કેનેડા ભારત પર પોતાના સાર્વભૌમત્વના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે. તેના જવાબમાં થરુરે ટ્વિટર પર લખ્યું છે કે, મને પશ્ચિમી મીડિયાના આવા સમાચારોથી આશ્ચર્ય નથી થતું. આ લોકો બીજા દેશોને જજ કરવામાં જરાય વિલંબ નથી કરતા. આ કામમાં તો તેઓ કંઇ જોતા જ નથી. પશ્ચિમી દેશોએ રશિયા, ઇરાન અને સાઉદી અરેબિયા દ્વારા આવી હત્યાઓની નિંદા કરી હતી. આ દેશો હવે ભારતને આ લિસ્ટમાં રાખવા નથી માગતા. છેલ્લા 25 વર્ષમાં અન્ય દેશમાં જો કોઇએ સૌથી વધુ હત્યાઓ કરાવી હોય તો તે અમેરિકા અને ઇઝરાયલ છે. શું પશ્ચિમના દેશો પાસે કોઇ આઇનો છે કે નહીં?