જમ્મુઃ કાશ્મીરના પહલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે હુમલાનો માસ્ટરમાઇન્ડ અને મુખ્ય હેન્ડલર લાહોરમાં બેઠેલો લશ્કર-એ-તૈયબાનો આતંકી સૈફુલ્લાહ ઉર્ફે સૈફુલ્લાહ સાજિદ જટ્ટ ઉર્ફે ‘લંગડો’ હતો. તેણે ત્રણેય આતંકી સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો, તેમને રિયલ ટાઈમમાં નિર્દેશો આપ્યા હતાં. હુમલા દરમિયાન પણ તે સતત તેમની સાથે વાત કરતો હતો. પગમાં ગોળી વાગવાને કારણે સાજિદ નકલી પગ લગાવે છે. 2005માં તે સરહદ પાર કરી દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ઘૂસ્યો હતો. 2019માં તેણે લશ્કરના પ્રોક્સી ટીઆરએફને ઊભું કર્યું હતું. ચાર્જશીટમાં નોંધાયેલી વિગત મુજબ, ત્રણેય આતંકીઓએ ફાયરિંગ પહેલા બેસરન ઘાટીમાં એક ઝાડ નીચે ભોજન કર્યું હતું. હુમલા બાદ ત્રણેય જણાએ ધાર્મિક નારા લગાવતા હવામાં હર્ષ ફાયરિંગ પણ કર્યું હતું.
...તો હુમલો ટાળી શકાયો હોત
એનઆઈએ ચાર્જશીટ અનુસાર, ટૂરિસ્ટ ગાઇડ પરવેઝ અને બશીરે સમય પહેલા માહિતી આપી દીધી હોત તો હુમલાને ટાળી શકાયો હોત. હુમલાના એક દિવસ પહેલા ત્રણેય આતંકીએ પરવેઝની ઝૂંપડીમાં ખુદાના નામ પર મદદ માગીને ભોજન કર્યું હતું. બંને ગાઈડે આતંકીઓને બેસરનમાં જોયા હતા પરંતુ સુરક્ષા એજન્સીઓને જણાવ્યું ન હતું. બંને ગાઈડની ધરપકડ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે પહલગામ આતંકી હુમલામાં સામેલ ત્રણેય પાક આતંકી ફૈઝલ જટ્ટ ઉર્ફે સુલેમાન, હબીબ તાહિર ઉર્ફે જિબ્રાન અને હમઝા અફગાનીને ભારતીય સુરક્ષા દળોએ ગયા વર્ષે જ ઠાર માર્યા છે.


