નવી દિલ્હી: પહલગામ ખીણમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફોર્સે (ટીઆરએફ) લીધી છે. ટીઆરએફ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈઇબાનું સહયોગી સંગઠન છે. આ આતંકવાદી હુમલા કેસમાં સૂત્રધારનું નામ પણ સામે આવી ચૂક્યું છે. સૂત્રધાર છે આતંકવાદી સૈફુલ્લાહ ખાલિદ. જમ્મુ-કાશ્મીરમાં લશ્કર અને ટીઆરએફની આતંકવાદી પ્રવૃત્તિને તે જ અંજામ આપે છે. સૈફુલ્લાહ ખાલિદ અને આતંકવાદી હાફિઝ સઇદ ખૂબ નજીકના સંબંધો ધરાવે છે. પાકિસ્તાની સેના પણ ખાલિદની મુઠ્ઠીમાં છે.
સૈફુલ્લાહ ખાલિદ લશ્કર-એ-તોઈબા આતંકવાદી સંગઠનનો નાયબ વડો છે. તેને સૈફુલ્લાહ કસૂરીને નામે પણ ઓળખાય છે. તે લક્ઝરી કાર્સનો શોખીન છે. તે લશ્કર-એ-તોઇબાના આતંકવાદી અને તેમના આધુનિક હથિયારોના ઘેરામાં રહે છે. પાકિસ્તાની સૈન્ય સાથે પણ ખૂબ નજીકના સંબંધ ધરાવે છે. પાકિસ્તની સેના પર તેનો એટલો પ્રભાવ છે કે સેના ફૂલોથી તેનું સ્વાગત કરે છે. પાકિસ્તાની સેનાના જવાનોને તે ભારત વિરુદ્ધ ભડકાવે છે. પાકિસ્તાની સેનાના કર્નલ ઝાહિર જરીન ખટ્ટકે થોડા દિવસ પહેલાં જેહાદી ભાષણ આપવા બોલાવ્યો હતો. તેણે તે વખતે પાકિસ્તાનના સૈનિકોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યા હતા.