પાંચ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર: આઇએમએફ

Wednesday 02nd November 2022 07:08 EDT
 
 

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)નાં જણાવ્યા મુજબ અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતની ઇકોનોમી હાલ ટકી રહી છે અને તેજીની રફ્તાર પકડી રહી છે. આ જોતાં ભારત 2027-28 સુધીમાં જાપાનને પછાડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બની શકે છે. આઈએમએફ દ્વારા તેનાં વૈશ્વિક ઇકોનોમિક આઉટલૂકમાં જણાવાયું હતું કે, વર્ષ 2025-26 સુધીમાં ભારતની ઇકોનોમી જર્મનીને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી બનશે.
વર્ષ 2026-27 સુધીમાં ભારતની ઇકોનોમી નાણા મંત્રાલયનાં અંદાજ મુજબ 5 ટ્રિલિયન ડોલરની નહીં થઈ શકે. ટાર્ગેટ પૂરો કરવામાં થોડું અંતર રહેશે અને તે વર્ષે ભારતની ઇકોનોમી 4.94 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકશે. વર્ષ 2027-28 સુધીમાં ભારતનું અર્થતંત્ર 5.36 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે અને વિશ્વની સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનવાની સિદ્ધિ હાંસલ કરી શકશે. તે વર્ષે જાપાનની ઇકોનોમી 5.17 ટ્રિલિયન ડોલરથી વધારે હશે પણ ભારત તેને ક્રોસ કરીને આગળ વધી જશે.
ભારત વર્ષ 2021-22માં બ્રિટનથી આગળ નીકળવામાં થોડું પાછળ રહી ગયું હતું તે વખતે ભારત 109 બિલિયન ડોલરની વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી બનતા રહી ગયું હતું. 2022-23માં પણ તે આ સ્થાન હાંસલ કરી શકશે નહીં. તેણે વધુ એક વર્ષ આ માટે રાહ જોવી પડશે. આવતા વર્ષે તે બ્રિટનની 27 બિલિયન ડોલરની ઇકોનોમી કરતા આગળ વધી જશે.
ભારતમાં 10 ટ્રિલિયન ડોલરની
ઇકોનોમી બનવાની ક્ષમતા
વિશ્વની જુદીજુદી નાણાસંસ્થાઓ ભલે ભારતનાં ગ્રોથ રેટનો અંદાજ ઘટાડતી હોય પણ આઇએમએફનાં મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે ઓલિવિયર ગૌરિનચાસે ભારતની ઝડપથી આગળ વધતી ઇકોનોમીનાં વખાણ કર્યા છે.
તેમણે કહ્યું છે કે ભારત 10 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવાની ક્ષમતા ધરાવે છે. બધા દેશોમાં આ પ્રકારે મોટી ઇકોનોમી બનવાની ક્ષમતા નથી હોતી.
આ માટે તેમણે ફોર્મ્યુલા સૂચવી છે જે મુજબ ભારતે શિક્ષણ તેમજ આરોગ્ય સેક્ટરમાં રોકાણ વધારવું પડશે. આ ઉપરાંત કેટલાક આર્થિક સુધારા પણ કરવા પડશે. રસ્તા, ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તેમજ માનવ સંસાધન સેક્ટરમાં રોકાણ વધારવું પડશે.

ભારતની ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ પર ઓળઘોળ

નવી દિલ્હીઃ એક તરફ દુનિયામાં ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાના આઘારે ભારત મંદીની આહટ વચ્ચે અન્ય દેશને માટે મિસાલ બની રહ્યું છે. કેન્દ્રની ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમને આઇએમએફએ લોજિસ્ટિકલ માર્વલ ગણાવી છે. આઇએમએફએ ફક્ત ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ જ નહીં, પરંતુ સરકારની તરફથી દેશમાં સંચાલિત અન્ય યોજનાઓને પણ વખાણી છે. આઇએમએફના પાઉલો માઉરોએ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમને વિશે બોલતા કહ્યું કે ભારત જેવા મોટી આબાદીવાળા દેશને જોતાં આ સ્કીમ પોતે પોતાનામાં બેમિસાલ છે. તેઓએ કહ્યું કે ભારત પાસેથી અનેક ચીજો શીખી શકાય છે. તેમણે કહ્યું કે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ લોજિસ્ટિકલ માર્વલ છે કેમ કે આ પ્રોગ્રામ ઓછી આવકવાળા લોકોને સારી મદદ કરી રહી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter