નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર વખતે એક તરફ ભારત દ્વારા પાકિસ્તાનના વ્યૂહાત્મક સ્થળો પર ડ્રોન અને મિસાઇલ્સમારો કરીને તેનો કચ્ચરઘાણ કાઢવામાં આવી રહ્યો હતો ત્યારે ચીન દ્વારા પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરીને તેની મિત્રતા નિભાવવામાં આવી હતી અને ભારત સાથે ચીને દગો કર્યો હતો. સંરક્ષણ મંત્રાલય સાથે સંલગ્ન થિંક ટેન્કનાં રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.
બંને અણુ શસ્ત્રો ધરાવતા દેશ વચ્ચે હાલ ભારેલો અગ્નિ છે ત્યારે ત્રીજા પક્ષકાર તરીકે ચીનની ભૂમિકા શંકાસ્પદ છે. ચીન દ્વારા પાકિસ્તાનને આ ટૂંકા જંગમાં જીતાડવા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું પણ ચીનના એકપણ કીમિયા કે શસ્ત્રો કારગત નીવડયા ન હતા. ભારતની સેનાના પરાક્રમ સામે ચીન અને પાકિસ્તાને શસ્ત્રો હેઠા મૂકવા પડ્યા હતા. ભારતે ચીનના આતંકી અડ્ડાઓ નેસ્તનાબૂદ કર્યા હતા અને 100થી વધુ આતંકીઓને મારી નાંખ્યા હતા.
ચીને કયા પ્રકારે મદદ કરી?
ચીને પાકિસ્તાનને ભારત દ્વારા તહેનાત કરવામાં આવેલા સૈન્ય પર નજર રાખીને તેની એર ડિફેન્સ સિસ્ટમ તેમજ રડારને ફરી ગોઠવવામાં પાક.ને મદદ કરી હતી. આ સિવાય 22 એપ્રિલે પહલગામમાં કરવામાં આવેલા હુમલા પછીના 15 દિવસમાં ચીને પાક.ને તેના ઉપગ્રહો દ્વારા ભારત ઉપર વધારે સારી રીતે ફોકસ કરવામાં મદદ કરી હતી. થિંક ટેન્ક CJWSના ડિરેકટર મેજર જનરલ (નિવૃત્ત) અશોકકુમારે કહ્યું હતું કે ચીન દ્વારા પાકિસ્તાનની રડાર સિસ્ટમ એવી રીતે ગોઠવવામાં આવી હતી કે જેથી આપણે હવાઈ હુમલા કરીએ તો તેની જાણ પાક.ને અગાઉથી થઈ શકે.
પાક. દ્વારા આવી સહાયનો ઈનકાર
પાક. દ્વારા તેને ચીન દ્વારા આવી કોઈ સહાય કરવામાં આવી હતી કે કેમ તેનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે અમને ચીન પાસેથી ફક્ત શસ્ત્રો જ મળ્યા હતા જેનો અમે જંગમાં ઉપયોગ કર્યો હતો. ચીન દ્વારા પાક.ને રણનીતિક અને ગુપ્ત માહિતી તેમજ ટેકનિકલ સહાય કરવામાં આવી હતી. ચીન માટે આ જંગમાં તેનાં સંરક્ષણ સાધનો અને ઉપકરણોનું લાઈવ ફાયર ટેસ્ટિંગ કરવાનો મોકો હતો. જોકે ચીનની અનેક સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી. ભારતે સફળતાપૂર્વક પાક.નાં ડ્રોન હુમલો રોક્યા હતા.