પાકિસ્તાને અંકુશ રેખા નજીકથી આતંકીઓને સૈન્ય છાવણીમાં ખસેડયા

Friday 22nd February 2019 06:14 EST
 
 

નવી દિલ્હીઃ પુલવામા હુમલા પછી ભારતના આક્રમક વલણે પાકિસ્તાનમાં ડરનો માહોલ સર્જ્યો છે. વડા પ્રધાન મોદીએ પુલવામા હુમલા પછી એક નિવેદનમાં સુરક્ષા દળોને જરૂરી તમામ પગલાં લેવા ખુલ્લી છૂટ આપ્યાની વાત કરી હતી. તે પછી અંદાજ લગાવાઈ રહ્યા છે કે ભારતીય સૈન્ય ફરી એક વાર સીમાપાર ત્રાસવાદી છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. પાક.માં ભારતીય સૈન્યની સંભવિત સર્જિકલ સ્ટ્રાઈક સામે ખોફ છે. પાકિસ્તાને તેથી જ અંકુશ રેખા નજીક આવેલી ત્રાસવાદી છાવણીઓમાંથી ત્રાસવાદીઓને સૈન્ય છાવણીમાં ખસેડી દીધા છે.
ગુપ્તચર એકમના સૂત્રોએ જણાવ્યા મુજબ પાકિસ્તાન પણ યોજનાબદ્ધ પગલાં લઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે તંગદિલી છે, પરંતુ સરહદે સૈન્યની હિલચાલ નથી. ગુપ્તચર એકમના જણાવ્યા મુજબ સરહદે હાલમાં એક પણ ત્રાસવાદી છાવણી સક્રિય નથી. પાકિસ્તાન ઇચ્છે છે કે ભારતીય સૈન્ય પાકિસ્તાની સૈન્ય મથકને નિશાન બનાવે અને બંને દેશો વચ્ચે વિવાદ વધે.
પુલવામા હુમલા પછી ફરી એક વાર સીમાપાર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની માગણી ઉઠી છે, પરંતુ ત્રાસવાદી છાવણી સંકેલાઈ જતા ભારત પાસે પાકિસ્તાનની સૈન્ય છાવણી પર ત્રાટકવાનો જ વિકલ્પ બચશે. ભારત જો પાકિસ્તાનની સૈન્ય છાવણીને નિશાન બનાવશે તો તંગદિલી વધશે. વર્ષ ૨૦૧૬માં ઉરી હુમલા પછી ભારતીય સૈન્યે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ત્રાસવાદી છાવણીઓ તબાહ કરી હતી. ભારતીય સૈન્યના આ હુમલામાં ૪૦ જેટલા આતંકી માર્યા ગયા હતા.
હજુ શિયાળુ ચોકી ખાલી કરાવી નથી
પાકિસ્તાને આ વર્ષે પોતાની શિયાળુ ચોકીઓને પણ હજુ ખાલી કરાવી નથી. તેને લાગે છે કે ત્રાસવાદી હુમલાના જવાબમાં ભારત વળતી કાર્યવાહી અવશ્ય કરશે. દર વર્ષે આ સમયગાળા સુધીમાં ૫૦થી ૬૦ વિન્ટર પોસ્ટ ખાલી કરાવી નાંખવામાં આવે છે, પરંતુ આ વર્ષે હજી પણ ત્યાં જવાન તહેનાત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter