વોશિંગ્ટન: કરોડો રૂપિયાનાં પીએનબી કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદીનાં ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ તેમજ ઈડી દ્વારા તેની પ્રત્યર્પણ માટે અપીલ કરાયા પછી પછી તેની ફરતે કાનૂની ગાળિયો કસવામાં આવ્યો છે. મની લોન્ડરિંગ અને ગુનાઈત કાવતરાંનાં કેસમાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે આપેલી માહિતી મુજબ ભાગેડુ આર્થિક ગુનેગાર નીરવ મોદીનાં ભાઈ નેહલ મોદીને ચોથી જુલાઈએ અટકાયતમાં લેવાયો છે. નેહલ છેતરપિંડીના કેસમાં ત્રણ વર્ષની સજા કાપીને જેલ બહાર આવ્યો કે તરત તેની ધરપકડ કરાઈ છે. હવે 17 જુલાઈએ તેના ભારત પ્રત્યર્પણ માટે સુનાવણી હાથ ધરાશે. નેહલ મોદી રૂ. 13,600 કરોડનાં પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડમાં વોન્ટેડ હતો. આ કૌભાંડ દેશનું સૌથી મોટામાં મોટું આર્થિક કૌભાંડ હતું.
ઈડી તેમજ સીબીઆઈએ કરેલી તપાસમાં નેહલ મોદીએ નીરવ મોદીની ગુનો આચરીને એકઠી કરવામાં આવેલી રકમને કાયદેસર બનાવવા કામ કર્યું હતું. નીરવ મોદી હાલ બ્રિટનમાં છે અને તેનું ભારતમાં પ્રત્યર્પણ કરવા માંગણી કરાઈ છે.
ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ
ઈન્ટરપોલ દ્વારા નેહલ મોદી સામે 2019માં રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. નેહલ મોદી સામે ભારતનાં કાયદાનો ભંગ કરીને બોગસ કંપનીઓ રચવાનો તેમજ તેનાં દ્વારા વિદેશમાં હવાલા મારફતે નાણાંનાં હેરફેર કરવાનું નેટવર્ક સ્થાપીને મોટી સંખ્યામાં ગેરકાયદે મેળવેલી રકમને છુપાવવા, નાણાંની હેરાફેરી કરવાનો આરોપ છે. તેનાં પ્રત્યર્પણ માટેનાં કેસની કાર્યવાહી 17 જુલાઈની સુનાવણી દરમિયાન હાથ ધરાશે. જોકે આ સમય દરમિયાન તે જામીન મેળવવા અરજી કરી શકે છે.
પુરાવાનો નાશ કરવાનો આરોપ
નેહલ મોદીએ રૂ. 13,600 કરોડનાં પીએનબી કૌભાંડમાં પુરાવાનો નાશ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પીએનબી કૌભાંડ પછી નીરવ મોદીએ તેનાં ભાઈ નેહલ મોદી દ્વારા દુબઈ અને હોંગકોંગમાં ડમી કંપનીઓ રચીને પૈસા તેમાં ટ્રાન્સફર કર્યા હતા અને તેણે કૌભાંડનાં કેટલાક રેકોર્ડ સહિત સેલ ફોનનો નાશ કર્યો હતો. નીરવ મોદીને કેરો પહોંચાડવા ટિકિટ સહિતની મદદ કરી હતી.
ડમી કંપનીઓ થકી પૈસાની હેરાફેરી
નીરવ મોદીએ વિદેશમાં 15થી વધુ ડમી કંપનીઓ બનાવી હતી જેથી પીએનબી લેટર ઓફ અન્ડરટેકિંગ (LOU) દ્વારા મેળવેલી રકમની આયાતનિકાસના ઓઠા તળે આસાનીથી હેરાફેરી કરી શકાય. આ પૈકી જુદી જુદી કંપનીઓમાં ફરજ બજાવતા 17 ડમી ડિરેકટરોને ઓળખી કાઢવામાં આવ્યા હતા. આ તમામ નીરવ મોદીની કંપનીનાં કર્મચારી કે પૂર્વ કર્મચારી હતા. જેની સેવાઓ માટે તેમને દર મહિને રૂ. 8,000થી રૂ. 30,000 સુધીનું વેતન આપવામાં આવતું હતું.