નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શુક્રવારે ફોન પર વિસ્તૃત વાતચીત થઈ હતી. જેમાં બંને વચ્ચે યુક્રેન યુદ્ધ, દ્વિપક્ષીય એજન્ડા અને વ્યુહાત્મક ભાગીદારી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ આ વાતચીત અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપી હતી.
તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યુ હતું કે મારી આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર ખુબ જ સારી અને વિસ્તૃત વાતચીત થઇ હતી. આ દરમિયાન પુતિને યુક્રેન મુદ્દે નવા ઘટનાક્રમની માહિતી આપી હતી, જેના માટે મેં તેમનો આભાર માન્યો હતો. અમે આપણા દ્વિપક્ષીય એજન્ડાની સમીક્ષા કરી હતી. ભારત-રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યુહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના સંકલ્પને દોહરાવ્યો હતો. બંને નેતાઓ વચ્ચે આ વાતચીત એવા સમયે આવી છે જ્યારે અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે ભારત પર વધારાનો 25ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેવામાં બંને નેતાઓ વચ્ચે થયેલી આ વાતચીત ખુબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આ વર્ષના અંતમાં 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે ભારત પ્રવાસે આવવાનું આમંત્રણ આપ્યું છે ને રશિયન રાષ્ટ્રપતિએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. જોકે, પુતિનના ભારત પ્રવાસની તારીખો જાહેર થઈ નથી.
દોવલની પુતિન સાથે મુલાકાત
તાજેતરમાં જ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ રશિયા પ્રવાસે ગયા હતા. ગુરુવારે તેમણે ક્રેમલિનમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સહયોગ વિશે ચર્ચા કરી હતી. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયની પ્રેસ સેવા તરફથી શેર કરાયેલી વીડિયો ક્લિપમાં દોવલ વાતચીત પહેલા પુતિન સાથે હસ્તધૂનન કરતા જોવા મળ્યા હતા. પુતિને પોતાની ઓફિસમાં દોવલનું ખુબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. બેઠકમાં દોવલે બહારના ભારે દબાણ છતાં તમામ મોર્ચે રશિયા સાથેના સહકારને યથાવત રાખવાની નવી દિલ્હીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.


