પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ હમઝા પીઓકેમાં ઠાર

Wednesday 27th May 2026 05:01 EDT
 
 

નવી દિલ્હી/ઇસ્લામાબાદ: વર્ષ 2019માં કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોના કાફલાને નિશાન બનાવીને થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાન પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ના મુઝફ્ફરાબાદમાં અજ્ઞાત બંદૂકધારીઓના હાથે ઠાર મરાયો છે. અર્જુમંદ ગુલઝાર ડાર નામથી પણ ઓળખાતો હમઝા આતંકી સંગઠન અલ-બદ્રનો કમાન્ડર હતો. ‘ડોક્ટર’ના નામથી જાણીતા હમઝાને મુઝફ્ફરાબાદ નજીકના ગીચ જંગલમાં હુમલાખોરોએ ગોળીઓથી વીંધી નાખ્યો હતો અને તેનું સ્થળ પર જ મોત થયું હતું.
પુલવામાનો જ વતની
હમઝા છેલ્લા ઘણા વર્ષોથી પીઓકેમાં સ્કૂલ ટીચર બનીને રહેતો હતો અને ગુપ્ત રીતે આતંકી ટ્રેનિંગ કેમ્પ અને ઘૂસણખોરીનું નેટવર્ક ચલાવતો હતો. મૂળે પુલવામાના જ રત્નીપોરાના રહેવાસી હમઝાને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2022માં UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. એનઆઇએની પુલવામા હુમલાની ચાર્જશીટમાં પણ તે આરોપીઓમાં સામેલ હતો. હમઝા પહલગામમાં થયેલા આતંકી હુમલાનો પણ મુખ્ય પડયંત્રકાર હતો તેમજ કાશ્મીર ખીણના અન્ય ક્ષેત્રોમાં થયેલા મોટા આતંકી હુમલાઓમાં પણ સરહદ પારથી તેનો સીધો દોરીસંચાર હતો.
27 વર્ષનો હમઝા 2017માં ઉચ્ચ અભ્યાસના બહાને માન્ય દસ્તાવેજો પર પાકિસ્તાન ગયો હતો. અલ બદ્રનો કમાન્ડર બન્યો હતો. તે પાકિસ્તાનથી જ આતંકી ગતિવિધિઓને અંજામ આપતો હતો. પાકિસ્તાન ગયો ત્યારથી તે કાશ્મીરના યુવાનોને અલ બદ્રમાં જોડાવવા માટે ઉશ્કેરતો હતો અને અલ બદ્રની આતંકી ગતિવિધિઓ માટે ફન્ડિંગ કરતો હતો. તેણે કાશ્મીરમાં પુલવામાથી શોપિયાં સુધી પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું. તેનું મોત પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્ક માટે મોટો ફટકો છે. તે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો માટે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય રીતે કામ કરતા લોકો પૈકી એક હતો.
હમઝાને અમે પતાવ્યો: બિશ્નોઈ ગેંગનો દાવો
પીઓકેમાં માર્યા ગયેલા હમઝા બુરહાનની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ ગેંગ સાથે જોડાયેલા ટાયસન બિશ્નોઇએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે હમઝાની હત્યાથી અમે અમારા મોટા ભાઇ લોરેન્સ બિશ્નોઇના અને અમારા ગ્રૂપના સહયોગથી પુલવામા હુમલાનો બદલો લીધો છે. હું પાકિસ્તાનમાં જેટલા પણ આતંકીઓ અને નશાના તસ્કરો છે કે જેઓ ડ્રોનથી આપણા દેશમાં નશીલા પદાર્થો મોકલે છે તે બધાને ખતમ કરીશ. મારા દેશના જેટલા પણ દુશ્મનો છે તેમને અને તેમનો સાથ આપનારાઓને અમે છોડીશું નહીં. મારી પાસે આખું લિસ્ટ તૈયાર છે. એક-એક કરીને બધાનો વારો આવશે. જય શ્રી રામ.. જય ભારત.. જય હિંદ...
હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા
14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર સીઆરપીએફના કાફલાની એક બસ પર આત્મઘાતી હુમલો થયો હતો. હુમલાખોરોએ વિસ્ફોટકો ભરેલી કાર સીઆરપીએફના કાફલાની બસ સાથે ટકરાવી દીધી હતી. દેશના સૌથી ભીષણ આતંકી હુમલાઓ પૈકી એક એવા આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter