પેગાસસ શું છે અને તે કેવી રીતે હેકિંગ કરે છે?

Friday 23rd July 2021 02:56 EDT
 
 

પેગાસસ ઈઝરાયલની ફર્મ એનએસઓ દ્વારા વિકસાવવામાં આવેલું એક સ્પાયવેર છે. તેને સાઇબર વેપન તરીકે પણ ઓળખવામાં આવે છે. ૨૦૧૬માં એક આરબ એક્ટિવિસ્ટને શંકાસ્પદ મેસેજ મળ્યા બાદ પેગાસસ પ્રકાશમાં આવ્યું હતું. તે વખતે સામે આવ્યું હતું કે, આઈફોન હેક કરવા માટે આ સોફ્ટવેર બનાવાયું છે. ત્યારબાદ થોડા સમય પછી સામે આવ્યું કે, એન્ડ્રોઈડ ફોનને પણ આ સ્પાયવેર હેક કરી શકે છે. ૨૦૧૯માં ફેસબુક દ્વારા વોટ્સએપ હેકિંગ અંગે એનએસઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં દાવો કરાયો હતો કે, તેના થકી ભારતના ઘણા યૂઝર્સના ફોન હેક કરવામાં આવ્યા હતા.
પેગાસસ જેવા ઝીરો ક્લિક જાસૂસી સોફ્ટવેર વધારે ખતરનાક એટલા માટે બની ગયા છે કે અગાઉના સ્પિયર ફિશિંગ સ્પાયવેરમાં ટેક્સ્ટ લિન્ક કે મેસેજ મોકલીને ગ્રાહકને ક્લિક કરવા લલચાવવા પડતા હતા. તે ક્લિક કરે તો જ સ્પાયવેર કામ ચાલુ કરી શકે. તેને બદલે પેગાસસ જેવા ઝીરો ક્લિક સ્પાયવેરને મોબાઈલમાં આવ્યા પછી કોઈની મદદની જરૂર પડતી નથી. તે ચૂપચાપ પોતાનું કામ ચાલુ કરી દે છે.
પેગાસસ એક ઈમેલ સાથે આવે છે. પછી ઈમેલ ન ખોલો તો પણ એ એક્ટિવ થઈ જાય છે. પેગાસસ એક વખત મોબાઈલમાં ઘૂસણખોરી કરી લે એ પછી તો કોઈનેય ખબર ન પડે એ રીતે મોબાઈલ માલિક કરતાંય વધારે કન્ટ્રોલ મેળવી લે છે. ત્યારપછી પેગાસસ મોકલનાર ગમે ત્યાં બેઠાં બેઠાં એ મોબાઈલમાં જે કંઈ છે તે બધું જ જોઈ કે છે. મેસેજનું લિસ્ટ, ઈન્ટરનેટ પર જે જે જોયું તેની યાદી ફોન કોન્ટેક્ટ લિસ્ટ બધું જ હુમલાખોર હેકરને મળી જાય છે.
પેગાસસ જેવા સોફ્ટવેર એપલના ફોનમાં વધુ સરળતાથી ઘૂસણખોરી કરી શકતો હતો કારણ કે એપલ વાયરલેસ ડિવાઈસ લિન્ક (AEDI) બધા ગ્રાહકો એકબીજા સાથે કનેક્ટ થઈ શકે એવો પિયર ટુ પિયર વાયરલેસ કનેક્ટિવિટી પ્રોટોકોલ ધરાવે છે. આ વાતની જાણ થતાં જ એપલે પોતાના iOS 13.3.1માં સુધારો કરી લીધો હતો.
4.4.4 કે તેથી ઉપરનું વર્ઝન ધરાવતા એન્ડ્રોઈડ ફોનમાં ગ્રાફિક્સ લાઈબ્રેરી દ્વારા ઘૂસણખોરી કરી લે છે. વોટ્સએપ ઉપર ફોન કરીને ઘૂસણખોરી કરી શકે છે. ભલે ગ્રાહક ફોન ન ઉપાડે! ગેમ્સ અને ફિલ્મો ડાઉનલોડ કરતા રહેતા ફોનમાં WiFi દ્વારા પણ ઘૂસણખોરી થઈ જાય છે.
• પેગાસસ કેવી રીતે કામ કરે છે? જાણકારોના મતે હેકર્સ દ્વારા યૂઝર્સને મેલેસિયસ મેસેજ કે ઈમેલ મોકલવામાં આવે છે. તેમાં પેગાસસ માલવેર ધરાવતી લિન્ક હોય છે. યૂઝર્સ દ્વારા જેવી આ લિન્ક ઓપન કરવામાં આવે છે કે, પેગાસસ તેમાં ડાઉનલોડ થઈ જાય છે. ત્યારબાદ સરળતાથી તે ફોન હેક કરી શકાય છે. આ ઉપરાંત વોટ્સએપ જેવા માધ્યમોથી થતાં ઓડિયો કોલમાં પણ સિક્યુરિટી બગ એન્ટર કરીને ફોનને હેક કરી શકાય છે. માત્ર એક મિસ કોલ આવે છે અને સોફ્ટવેર કામ શરૂ કરી દે છે.
• પેગાસસ શું કરી શકે છે? જાણકારોના મતે પેગાસસ દ્વારા યૂઝર્સના એસએમએસ, કોન્ટેક ડિટેલ્સ, કોલ લોગ, ફોન લોકેશન, વીડિયો કેમેરા, ફોનની અન્ય એપ્સ, બધું જ એક્સેસ કરી શકાય છે. તે સિવાય હેક કરેલા ફોનથી કરવામાં આવેલા તમામ કોલ સાંભળી અને રેકોર્ડ કરી શકાય છે. તેના થકી સંપૂર્ણ ડેટા હેકિંગ થઈ શકે છે.
• હાલમાં પેગાસસની સ્થિતિ શું છે? જાણકારોના મતે જ્યારે પેગાસસ સામે આવ્યું ત્યારે તે ક્લાસિક વર્ઝન ગણાતું હતું. સમયાંતરે એપલ અને એન્ડ્રોઈડ કંપનીઓ દ્વારા તેમના સોફ્ટવેરમાં અપડેશન કરીને આ માલવેર સામે પ્રોટેક્શન મેળવી લેવાયું છે. છેલ્લા કેટલાક વખતથી પેગાસસની જાસૂસીની માહિતી સામે આવી નથી. તે ઉપરાંત વર્તમાન સમયમાં જે પણ નવા હેન્ડસેટ ખરીદવામાં આવે છે તેમાં પહેલેથી જ લેટેસ્ટ સિક્યુરિટી એપ છે જેથી પેગાસસનું ક્લાસિક વર્ઝન કામ કરતું નથી.

એક ફોનની જાસૂસી પાછળ સરેરાશ ૭૦ લાખ રૂપિયાનો ખર્ચ!
ઈઝરાયેલની સર્વેલન્સ કંપની એનએસઓ માત્ર દેશોને જ ગ્રાહક બનાવે છે. કોઈ ખાનગી કંપનીઓને આ જાસૂસી કંપની તેની સેવા કે સોફ્ટવેર આપતી નથી. ઈઝરાયેલની સર્વેલન્સ કંપની તેનો જાસૂસી સ્પાયવેર પેગાસસ માત્ર દેશો કે સરકારી એજન્સીઓને જ આપે છે. દુનિયાના ૪૫થી ૫૦ દેશો તેના ગ્રાહકો છે. એમાંથી મોટાભાગના યુરોપ અને એશિયાના છે.
એક ગ્રાહકની જાસૂસી પાછળ સરેરાશ ૭૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે કે એક લાયસન્સ સરેરાશ ૭૦ લાખ રૂપિયામાં પડે છે. એક લાયસન્સથી એક સ્માર્ટફોન ટેપ થઈ શકે છે. કંપની ડિવાઈઝ દીઠ હેકિંગના ભાવ વસૂલે છે. ૧૦ ડિવાઈઝના હેકિંગ માટે અંદાજે ૪.૮૪ કરોડ રૂપિયાનું પેકેજ કંપનીએ નક્કી કર્યું હતું. કંપની એવો દાવો કરે છે કે આતંકવાદી સંગઠનોને ટ્રેક કરવામાં મદદરૂપ બનતી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવે છે, પરંતુ હકીકતે તે ગ્રાહક દેશોની સરકારોને કોઈ પણ નાગરિકની જાસૂસી કરવામાં મદદ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter