મુંબઈઃ માફિયા અબુ સાલેમે ભારત સરકાર તેના કેસમાં પ્રત્યર્પણ સંધિનો અને માનવ અધિકારનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કરી પોર્ટુગલ કોર્ટમાં અરજી કરી તેને પાછો પોર્ટુગલ બોલાવી લેવા અરજી કરી હતી. એ સંદર્ભે પોર્ટુગલ સરકારના અધિકારી સોફિયા બથાલાએ મંગળવારે તળોજા જેલમાં અબુ સાલેમની મુલાકાત લીધી હતી. સાલેમે તેમને કહ્યું હતું કે સુરક્ષાના કારણો આપી તેને અન્ય કેદીઓથી દૂર અલાયદી એવી કોટડીમાં રખાય છે જ્યાં પૂરતું અજવાળું પણ આવતું નથી. હવાની પણ પૂરતી અવરજવર નથી હોતી અને તે કોઇની સાથે વાત પણ કરી શકતો નથી. તેણે કહ્યું હતું કે આ એક પ્રકારનું મેન્ટલ ટોર્ચર છે. શું આખો દિવસ દીવાલો જ જોયા કરવાની? એમ તેણે સોફિયાને કહ્યું હતું. જ્યારે સોફિયાએ તેને અપાતા ભોજન વિશે પૂછયું ત્યારે તેણે કહ્યું હતું કે એ પણ હલકી કક્ષાનું અને ઓછું અપાય છે. મને ચિકન આપવામાં આવતું નથી.