પ્રમુખ મુસેવેનીએ યુગાન્ડાની સત્તા પુત્ર જનરલ મુહૂઝી કાઈનેરુગાબાને સોંપી?

Wednesday 29th July 2026 06:33 EDT
 
 

કમ્પાલાઃ યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ જાણે યુગાન્ડાની સત્તા તેમના પુત્ર અને લશ્કરી વડા જનરલ મુહૂઝી કાઈનેરુગાબાને સુપરત કરી દીધી હોવાનું જણાય છે. X પર અપાતી ધમકીઓ અને તેના અમલની ઈમેજીસ, એક વકીલની આંખે પાટા બાંધી ઘરમાંથી લઈ જવાયો, વિરોધીઓની પાછળ પડી જવું, લશ્કરી દળેો દ્વારા ફ્રી મીડિયાને બંધ કરી દેવાયાના આ ઉદાહરણો છે.

81 વર્ષીય પ્રેસિડેન્ટ મુસેવેની 40 વર્ષથી યુગાન્ડા પર રાજ કરી રહ્યા છે, પરંતુ હવે તેમનો મોટો પુત્ર જનરલ મુહૂઝી કાઈનેરુગાબા સતત સત્તા પોતાને હસ્તક લઈ રહ્યો છે. અપહરણો, રાજકીય હત્યાઓ અને વિરોધને કચડી નાખવા થકી આ સત્તાનો મનસ્વી ઉપયોગ કરવાની જનરલની ઈચ્છા દર્શાવે છે કે યુગાન્ડા લાંબા સમયથી ધારણા રખાતી હતી તેવા વંશાનુગત શાસન તરફ ઘસડાઈ રહ્યું છે. જાન્યુઆરીમાં જંગલિયાત અને ગેરરીતિના આક્ષેપો સાથે ઈલેક્શનમાં સાતમી ટર્મ માટે પ્રમુખપદ જીત્યા પછી મુસેવેનીએ તેમના 52 વર્ષીય પુત્ર અને લશ્કરી વડાને કંટ્રોલ સોંપી દીધો હોવાનું જણાય છે.

રોયલ મિલિટરી એકેડેમી સેન્ડહર્સ્ટના ગ્રેજ્યુએટ જનરલે વારંવાર તેમના પિતાનો વારસો સંભાળી લેવાની જાહેરાતો કરેલી છે. જનરલ કાઈનેરુગાબા X પર ઉશ્કેરણીજનક પોસ્ટ્સ મૂકતા રહ્યા છે, જેમાં કેન્યા પર આક્રમણ, પિતાના રાજકીય પ્રતિસ્પર્ધીના શિરચ્છેદ અથવા Jay-Z તેની પત્ની બિયોન્સવને સોંપી દે તેવી માગણી સહિતની ધમકીઓ હલકટ અને અહંકારી સૈનિકના બેડોળ ચાળા તરીકે ફગાવી દેવાયા હતા.

જોકે, હવે તેમ રહ્યું નથી. લાંબા સમયથી મુસેવેનીના હરીફ રહેલા વિપક્ષી નેતા કિઝા બેસિગ્યે તેમની પસંદના વકીલો વિના જ દેશદ્રોહના ખટલાનો સામનો કરવા કોર્ટમાં પહોચ્યા ત્યારે દમન ત્યાં પણ જોવા મળ્યું હતું. તેમના મુખ્ય કાઉન્સેલ અને કમ્પાલાના પૂર્વ મેયર એરીઆસ લુક્વાગોને કાઈનેરુગાબાના સૈનિકોએ ગયા મહિને જ ઝડપી લીધા હતા અને કેન્યન વકીલ માર્થા કારુઆઅને દેશમાં પ્રવેશવાં જ દેવાયા નહિ. બેસિગ્યેને 2024માં કેન્યાથી અપહરણ કરી લાવી યુગાન્ડાની જેલમાં ધકેલી દેવાયા હતા.

મુસેવેનીના સૌથી મોટા અને મજબૂત હરીફ બોબી વાઈનને પણ જનરલના દમનનો પરચો બતાવી દેવાયો છે. કાઈનેરુગાબાએ વાઈનને જીવતા કે મુઆ પકડવાના શપથ લીધા ત્યારે ગાયક-રાજકારણીએ નાસી જઈ અમેરિકામાં શરણ લેવાની ફરજ પડી છે. વાઈનના પક્ષના નાયબ નેતા પણ લાપતા છે. તેના બોડીગાર્ડ પર અત્યાચાર ગુજારી જેલમાં બંધ કરી દેવાયો છે.

જનરલ કોઈ સંસ્થાને જવાબદેહ નથી. ‘હું ફ્રી પ્રેસમાં માનતો નથી’નો હુંકાર કરનારા કાઈનેરુગાબાએ ગયા મહિને જ યુગાન્ડાના સૌથી મોટા સ્વતંત્ર મીડિયા ગ્રૂપને બંધ કરાવી દીધું હતું. યુગાન્ડાના દાતા દેશો ઈયુ, યુએસ કે યુકે તરફથી આ ઘટનાઓ સંદર્ભે કોઈ ટીપ્પણીઓ કે વિરોધી સૂર જોવા મળ્યા નથી. આ દર્શાવે છે કે પશ્ચિમના દેશો માટે યુગાન્ડા કેટલું મહત્ત્વ ધરાવે છે. કોમનવેલ્થનું સભ્ય અને 1962માં બ્રિટનથી સ્વતંત્ર થયેલા યુગાન્ડાને આ અસ્થિર વિસ્તારમાં પીસકીપિંગ મિશનોમાં દળોના યોગદાન અને ઈસ્લામિસ્ટો વિરુદ્ધ લડાઈમાં ભરોસાપાત્ર સિક્યુરિટી પાર્ટનર તરીકે ગણવામાં આવે છે. બીજી તરફ, જનરલ કાઈનેરુગાબા કોંગોમાં આતંક ફેલાવતા બળવાખોરોને ખુલ્લું સમર્થન આપે છે. બ્રિટન દર વર્ષે યુગાન્ડાને લાખો પાઉન્ડ આપે છે. જોકે, ફોરેન ઓફિસના કહેવા મુજબ આ રકમ સરકારને મળતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter