પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાનો ૨૧ મતે નો-કોન્ફિડન્સ પ્રસ્તાવમાં વિજય થયો

Thursday 10th August 2017 06:49 EDT
 
 

કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમા ગુપ્ત મતદાનમાં માત્ર ૨૧ મતથી નો-કોન્ફિડન્સ પ્રસ્તાવને ફગાવી શક્યા છે. ભ્રષ્ટાચારના સંખ્યાબંધ આક્ષેપોની મધ્યે સાઉથ આફ્રિકાના સાંસદોએ પ્રમુખ ઝૂમાને નહિ હટાવવાનો મત આપ્યો હતો. પાર્લામેન્ટમાં અવિશ્વાસ દરખાસ્ત ૧૯૮ વિરુદ્ધ ૧૭૭ મતથી નિષ્ફળ જવાના પરિણામે, હવે તેઓ રાજીનામું આપશે નહિ.

અગાઉ પાર્લામેન્ટમાં ઝૂમાને હટાવવાના છ પ્રયાસ નિષ્ફળ ગયા છે પરંતુ, ગુપ્ત મતદાનથી નિર્ણયનો આ પ્રથમ પ્રયાસ હતો. આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટી (ANC)ના અસંતુષ્ટ સાંસદો ઝૂમા વિરુદ્ધ મત આપશે તેવી વિપક્ષને આશા હતી. પરિણામ જાહેર થતાં જ ANCના સમર્થકોએ પાર્લામેન્ટની બહાર નાચગાન સાથે ઝૂમાના વિજયને વધાવી લીધો હતો. છેક ૨૦૦૯થી સત્તા પર રહેલા ઝૂમાએ ભ્રષ્ટાચાર અને દેશની આર્થિક પડતીમાં કારણભૂત હોવાના આક્ષેપો ફગાવી દીધા હતા.

સાઉથ આફ્રિકામાં રંગભેદના અંત સાથે ANC૧૯૯૪થી સત્તા પર છે. રંગભેદવિરોધી આંદોલનના પીઢ નેતાઓના એક જૂથે ઝૂમા વિરોધી મત આપવા પક્ષના સાંસદોને અપીલ કરી હતી. પક્ષના અનેક સાંસદોએ ઝૂમાનો વિરોધ કર્યો છે. જોકે, સંસદીય સત્ર અગાઉ પાર્ટીના ચીફ વ્હીપ જેક્સન મ્થેમ્બુએ જણાવ્યું હતું કે પક્ષે ઝૂમાને ટેકો આપવાનો નિર્ણય લીધો છે.

બીજી તરફ, પ્રીટોરિયા, જોહાનિસબર્ગ અને કેપ ટાઉનમાં દેખાવકારોએ પથ્થરમારા અને ટાયરોને આગ ચાંપવા સાથે માર્ગો બ્લોક કરી દીધા હતા. કેપ ટાઉનમાં વિરોધ પક્ષોના હજારો સમર્થકોએ રેલી કાઢી ઝૂમાવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આની સામે ઝૂમાના સમર્થકોએ પણ રેલી કાઢી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter