ન્યૂ યોર્ક, ઓટાવાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફાટી નીકળેલા જીવલેણ ઈબોલા રોગચાળાનો ઓછાયો ફિફા ફૂટબોલ વર્લ્ડકપ પર પડ્યો છે. આ વિશ્વકપના ત્રણ સહયજમાન અમેરિકા, મેક્સિકો અને કેનેડાએ રમતના ચાહકોના રક્ષણ માટે આરોગ્યલક્ષી પગલાં હાથ ધર્યા છે. વિશ્વકપના આરંભની મેચ 11 જૂનથી રમાનાર છે અને સમાપન 19 જુલાઈની ફાઈનલ સાથે થવાનું છે.
આ ત્રણ દેશોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે વિશ્વના પ્રશંસકોને નોર્થ અમેરિકામાં આવકારીએ છીએ ત્યારે આ ક્ષેત્રની દરેક વ્યક્તિના આરોગ્ય અને સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. જોકે, નિવેદનમાં કયા પ્રકારના પગલાં લેવાશે તેની સ્પષ્ટતા કરાઈ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઈબોલા રોગચાળો કોંગોના પડોશી દેશોમાં પણ પ્રસરવાનું જોખમ હોવાની ચેતવણી આપ્યા પછી સરકારોએ પ્રવાસ સંબંધિત નિયંત્રણોના પ્રયાસો સઘન બનાવવાનું ધાર્યું છે.
વોશિંગ્ટન દ્વારા ગત સપ્તાહે જ કોંગો, યુગાન્ડા અથવા સાઉથ સુદાનનો તાજેતરમાં પ્રવાસ કર્યો હોય તેવા બિનનાગરિકોને યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ગત 21 દિવસ દરમિયાન આ દેશોમાં રહ્યા હોય તેવા ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પર પણ પ્રતિબંધ લંબાવાયો છે. કેનેડાએ પણ કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનના રહેવાસીઓ માટે 90 દિવસના પ્રતિબંધને અમલી બનાવ્યો છે. આ ઉપરાંત, કેનેડાના નાગરિકો, કાયમી રહેવાસીઓ અને અન્ય વિદેશી નાગરિકોએ તાજેતરના સપ્તાહોમાં આ અસરગ્રસ્ત દેશોની મુલાકાત લીધી હોય અને લક્ષણો ધરાવતા હોય તેમના માટે પણ 30 મેથી 21 દિવસના ક્વોરેન્ટાઈનમાં રહેવાની ફરજ પડશે. બીજી તરફ, મેક્સિકોએ પણ તેના એકપોર્ટ્સ પર કડક ઈબોલા સ્ક્રીનિંગ પગલાં જાહેર કર્યા છે.


