ફેસબુકની ડેટાચોરી માટે ભાજપ-કોંગ્રેસની પરસ્પર આક્ષેપબાજી

Thursday 22nd March 2018 08:39 EDT
 
 

નવી દિલ્હી, વોશિંગ્ટનઃ બ્રિટિશ ડેટા કંપની એનાલિટિકા કેમ્બ્રિજ દ્વારા ફેસબુક ડેટા લીકેજની ઝાળમાં ભારત પણ સપડાયાના અહેવાલ છે. ૨૦મી માર્ચે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કેમ્બ્રિજ એનાલિટિકા અને કોંગ્રેસ વચ્ચેના સંબંધ પર સવાલ ઉઠાવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આ કંપનીની મદદ લેવાની યોજના ધરાવતી હોવાના મીડિયા અહેવાલોને ટાંકીને પ્રસાદે રાહુલ ગાંધીને તેમના સોશિયલ મીડિયામાં પ્રસારમાં કંપનીએ ભજવેલી ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવા પડકાર આપ્યો છે. પ્રસાદે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનાં ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં રાતોરાત વધારો થયો હતો. રાહુલે લોકપ્રિયતા હાંસલ કરવા માટે આ કંપનીની મદદ લીધી છે કે કેમ?

પ્રસાદે સવાલ કર્યો હતો કે શું કોંગ્રેસ મતદારોને રીઝવવા ડેટા સાથે ચેડાં અને ડેટાની ચોરીની મદદ લેશે? આ કંપની પર ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે સેક્સ, નાણાં અને બનાવટી સમાચારો પ્રસારિત કરવાનો આરોપ છે. શું કોંગ્રેસ પણ આજ રસ્તે જવા માગે છે? પ્રસાદે જણાવ્યું હતું કે, જો કોંગ્રેસે કેમ્બ્રિજ એનાલિટિકા સાથે ડેટાની આપ-લે કરી હોય તો તે અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. પ્રસાદે ફેસબુક સહિતના સોશિયલ મીડિયા એપ્સને ચેતવણી આપી હતી કે, જો અનિચ્છનીય પદ્ધતિઓ અપનાવી ભારતની ચૂંટણીપ્રક્રિયા પ્રભાવિત કરવાનો પ્રયાસ થશે તો સરકાર આકરાં પગલાં લેશે. તેમણે જણાવ્યું હતું કે, મને સ્પષ્ટ કહેવા દો કે અમે પ્રેસ, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. પરંતુ ફેસબુક સહિત સોશિયલ મીડિયા દ્વારા જો ભારતની ચૂંટણીપ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ થશે તો તે સાંખી લેવાશે નહીં.

પ્રસાદે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પણ ચેતવણી આપી હતી કે ડેટાબ્રીચની હકીકત પ્રકાશમાં આવશે તો તેમણે પણ આઈટી કાયદા હેઠળનાં પગલાં માટે તૈયાર રહેવું પડશે. અમારી પાસે આઈટી એક્ટ હેઠળ તમને સમન્સ મોકલીને ભારતમાં બોલાવવાના અધિકાર પણ છે.

અમેરિકા-યુરોપના સાંસદો દ્વારા સમન્સ

કેમ્બ્રિજ એનાલિટિકાના અહેવાલો બહાર આવ્યા બાદ ફેસબુકને રૂપિયા ૩૯૫ અબજ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. અમેરિકા અને યુરોપના સાંસદોએ ફેસબુક પાસે જવાબ માગ્યા છે. ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગને પોતાની સમક્ષ હાજર થવાનું ફરમાન પણ કર્યું છે.

ભાજપ અને જદયુએ ચૂંટણીઓમાં કેમ્બ્રિજ એનાલિટિકાની મદદ લીધી હતી : કોંગ્રેસે ભાજપ તરફ તોપનું નાળચું ફેરવ્યું

ભાજપ તરફ તોપનું નાળચું ફેરવતાં કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે તાજેતરના ચૂંટણી પ્રચારમાં ભાજપ અને જદયુએ કેમ્બ્રિજ એનાલિટિકાની મદદ લીધી હતી. કેમ્બ્રિજ એનાલિટિકાની ભારત ખાતેની સહયોગી કંપની ઓવલેનો બિઝનેસ ઇન્ટેલિજન્સની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી ટાંકતાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણીમાં આ કંપનીએ ભાજપના ઉમેદવારોને મતવિસ્તાર પ્રમાણે ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા. કેમ્બ્રિજ એનાલિટિકાની વેબસાઇટ જણાવે છે કે ૨૦૧૦માં ભાજપ અને જદયુએ કંપની દ્વારા અપાયેલા ડેટાનો ઉપયોગ કર્યો હતો. ઓવલિન કંપની ભાજપના સહયોગી પક્ષના સાંસદના પુત્રની માલિકીની છે. ૨૦૦૯માં રાજનાથસિંહે આ કંપનીની સેવાઓ લીધી હતી. સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ કે કોંગ્રેસ પ્રમુખે ક્યારેય કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ લીધી નથી. કેન્દ્રીય પ્રધાન બનાવટી એજન્ડા અને સફેદ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. ભાજપની બનાવટી સમાચારોની ફેક્ટરીએ આજે વધુ એક બનાવટી સમાચાર ઉપજાવી કાઢયા છે.

ફેસબુક ડિલિટ કરી દેવુંઃ વોટ્સએપના કો-ફાઉન્ડરની સલાહ

દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક સૌથી મોટા વિવાદોમાં ઘેરાઈ ગયું છે. વોટ્સ એપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટે ટ્વિટ કરીને કહ્યું છે કે હવે ફેસબુકને ડિલિટ કરી દેવું જોઇએ. ઇટ ઇઝ ટાઇમ. ડિલિટ ફેસબુક. બીજી બાજુ કેમ્બ્રિજ એનાલિટિકાના સીઇઓ એલેક્ઝાન્ડર નિક્સને સસ્પેંડ કરી દેવાયા છે. આરોપ છે કે એમની બેદરકારીને લીધે ફેસબુક પર લગભગ ૫ કરોડ યૂઝર્સની અંગત માહિતી લીક થઈ જેનો ફાયદો અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પ માટે કામ કરનારી ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાએ ઉઠાવ્યો છે. આરોપ એવો છે કે ફર્મે મતદાતાઓના વિચારને બદલી નાખવા માટે ફેસબુક યૂઝર્સ ડેટામાં ઘૂસણખોરી કરી હતી. હવે આ મામલે ફેસબુકના સંસ્થાપક ઝુકરબર્ગ પાસે જવાબ મગાયો છે. આખી દુનિયાની ચૂંટણી આ નવા પ્રકારના બિગ ડેટા એનાલિસિસથી પ્રભાવિત કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. ૨૦૧૬માં અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની આશ્ચર્યજનક વિજયનું શ્રેય કેમ્બ્રિજ એનાલિટિકાને અપાય છે.

ભારત એનાલિટિકા કનેક્શન!

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી ઝુંબેશ સંભાળનારી કેમ્બ્રિજ એનાલિટિકાનું ભારતની ચૂંટણી સાથે પણ કનેક્શન છે. તેની પેરન્ટ કંપની એસસીએલને ૨૦૧૦ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને ટાર્ગેટ બેઠકોમાંથી ૯૦ ટકાથી વધુ પર તેના ક્લાયન્ટનો વિજય થયો હતો. હવે એ વાત પણ ચર્ચામાં છે કે આ ફર્મ ફરી ભારતમાં ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી માટે પણ રાજકીય પક્ષો સાથે સંપર્ક કરી રહી છે અથવા ડીલ થઇ ગઇ છે.

ભાજપના પ્રહારો

૧. રાહુલ ગાંધીનાં ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં રાતોરાત વધારો થયો છે. આ બનાવટી લોકપ્રિયતા હાંસલ કરવા માટે રાહુલ ગાંધીએ આ કંપનીની મદદ લીધી છે કે કેમ?

૨. શું કોંગ્રેસ મતદારોને રીઝવવા ડેટા સાથે ચેડાં અને ડેટાની ચોરીની મદદ લેશે?

૩. આ કંપની પર ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે સેક્સ, નાણાં અને બનાવટી સમાચારો પ્રસારિત કરવાનો આરોપ છે. શું કોંગ્રેસ પણ આ જ રસ્તે જવા માગે છે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter