બચત અને ખેતી ભારતના અર્થતંત્રને બચાવી લેશે, નેતૃત્વ ઇચ્છે તો કોરોના આફતને અવસરમાં બદલી શકે

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર અને ઇકોનોમિસ્ટ પ્રોફેસર સ્ટીવ એચ. હેન્કી માને છે કે આજે વિશ્વને પોતાના દેશ અને જનતાને સંકટમાંથી સંપન્ન બનાવી શકે તેવા નેતાની જરૂર છે....

Wednesday 06th May 2020 06:43 EDT
 
 

નવી દિલ્હી: વિશ્વના અન્ય દેશોની તુલનામાં કોવિડ-૧૯નો દુષ્પ્રભાવ ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ નહીં પડે. ભારતનું નેતૃત્વ ઇચ્છે તો આ સંકટને અવસરમાં બદલી શકે છે. આ શબ્દો છે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર અને ઇકોનોમિસ્ટ પ્રોફેસર સ્ટીવ એચ. હેન્કીના. અમેરિકા સહિત ૧૦થી વધુ દેશોના સલાહકાર રહી ચૂકેલા પ્રો. હેન્કી માને છે કે આજે વિશ્વને સિંગાપોરના લી ક્યુઆન જેવા નેતાઓની જરૂર છે, જે પોતાના દેશ અને જનતાને સંકટમાંથી સંપન્ન બનાવી શકે. ભાસ્કર ગ્રૂપના દૈનિકને આપેલી મુલાકાતમાં પ્રો. હેન્કીએ રાજકારણથી માંડીને આર્થિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી, જેના મુખ્ય અંશઃ
• સંક્રમણ અને લોકડાઉનની વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થશે? આ અંગે અત્યારે કંઇ પણ કહેવું વહેલાસરનું હશે, પરંતુ એ નક્કી છે કે ભારત જેવા બચતપ્રધાન દેશ આ મહામારીનો સામનો સારી રીતે કરી શકશે. કોવિડ-૧૯થી અગાઉની તુલનામાં વિશ્વમાં ખર્ચ ઘટાડવા અને બચત કરવાનું વલણ વધારશે. દાખલા તરીકે ખાણી-પીણીની વસ્તુઓ પર ખર્ચ વધશે. એવા ખાદ્યપદાર્થો પર પણ ખર્ચ વધશે, જે બીમારીઓથી બચાવી શકે. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે હવે વેપારી અને ઉદ્યોગપતિ પણ બચત વધારશે. મતલબ કે પોતાના વહીખાતાને મજબૂત કરવા માટે તેઓ રોકાણ થોડા સમય માટે ટાળી શકે છે.
• કૃષિપ્રધાન દેશ યુગોસ્લાવિયામાં બાલ્કન યુદ્ધ દરમિયાન ત્યાંના પ્રમુખ સલાહકાર રહેવાના મારા પોતાના અનુભવથી હું કહી શકું છું કે ઘણા બધા દેશોની જેમ ભારતની મોટા ભાગની વસતીને ભૂખમરાનો સામનો નહીં કરવો પડે કારણ કે અહીંની ૫૦ ટકાથી વધુ વસતી ખેતી સાથે સંકળાયેલી છે.
ભારતની વિશેષતા એ છે કે અહીં આંત્રપ્રિન્યોર વર્લ્ડક્લાસ સ્કિલ્સથી સજ્જ છે. કોવિડ પહેલાં લાખો આંત્રપ્રિન્યોર વિક્સિત દેશો જેમ કે અમેરિકા, બ્રિટન તરફ વળતા હતા, પરંતુ કોવિડ-૧૯ બાદ સ્થિતિ બદલાઇ શકે છે. તેમને જો કૃષિ સાથે જોડવાની તક મળે તો દેશમાં વિકાસની ક્રાન્તિ આવી શકે છે.
જોકે હું બહુ આશાવાદી નથી, કારણ કે ભારતે પહેલાં પણ ઘણી વખત મોટી તકો ગુમાવી દીધી છે કારણ કે તેનું નેતૃત્વ તેને ક્યારેય વટાવી શક્યું નથી. મારા મિત્ર અને વ્હાઇટ હાઉસના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ જિમ બેકર કહેતા હતા કે સંકટના સમયમાં પહેલાંથી કરવામાં આવેલી તૈયારીને લીધે ખરાબ પરિસ્થિતિમાંથી બચી શકાય છે. જોકે ભારત જેવા દેશોની સમસ્યા એ છે કે અહીં પહેલાંથી તૈયારી કરવાની શક્યતા બહુ ઓછી છે. તેથી અહીં પરિવર્તન ધીમું રહ્યું છે. કોવિડ બાદ વિશ્વભરના દેશોની સરકારો શક્તિશાળી થશે અને જનતા નબળી થશે, કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે દરેક સંકટમાં આવું થયું છે.
• આવનારા સમયમાં ડોલરની માગ વધશે. જે દેશો પર પ્રતિબંધ મુકાયો છે જેમ કે ઇરાન, વેનેઝુએલા અને રશિયા તે વધુ ઝડપથી ડોલરનો વિકલ્પ શોધશે. કોવિડ બાદ વિવિધ દેશોમાં સ્વાવલંબનનાં સૂત્રો બુલંદ થશે, જેને ભારતમાં સ્વદેશી તરીકે ઓળખવામાં આવે છે. આમ વિશ્વભરમાં સ્વદેશીનું વલણ વધી શકે છે. મેક ઇન ઇન્ડિયા, મેક અમેરિકા ફર્સ્ટ, બ્રેક્ઝિટ આ જ વિચારધારાના બીજા રૂપ છે. લાંબા સમયમાં અને વ્યાપક સ્તરે તે નુકસાનકારક સાબિત થાય છે. વિકાસશીલ જ નહીં પણ કેટલાક વિકસિત દેશોમાં પણ કોવિડ બાદ રાષ્ટ્રવાદ અને સ્વાવલંબનનાં સૂત્રો વેચાશે. તેનું સૌથી મોટું નુકસાન ચીનને થઇ શકે છે. જો ઘણા દેશો તેમની આયાતમાં કાપ મૂકે તો ચીનની ઘણી ફેકટરીઓ બંધ થઇ શકે છે અને ત્યાં બેરોજગારી વધી શકે છે. તેથી વિશ્વભરમાં સરકારો તાનાશાહીની દિશામાં પગલાં લઇ શકે છે. ચીનમાં પહેલેથી જ તાનાશાહી છે, તેથી સંભવ છે કે ચીનમાં લોકો તાનાશાહ વિરુદ્ધ આંદોલન પણ કરે. આ સંભાવનાઓની સાથે મને એવું લાગે છે કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી હજુ ચાલશે.
• ડોનાલ્ડ ટ્રમ્પમાં દોષ છે અને જો બિડેન નબળા છે. અમેરિકામાં ૨૦૨૦માં થનારી ચૂંટણીઓમાં ટ્રમ્પ જીતે કે બિડેન, જનતાને કોઇ લાભ થશે નહીં. ટ્રમ્પે ટેક્સ ઓછો કર્યો અને લાલફીતાશાહી ઓછી કરી છે, જે સારાં પગલાં છે, પરંતુ બધું મળીને તેમની સરકાર સરેરાશ રહી. લોકો ખામીઓથી ભરેલા ટ્રમ્પ અને નબળા બાઇડેનમાંથી એકને ચૂંટવા મજબૂર છે.

ભારતે રૂપિયો મજબૂત કરવો પડશે, ગ્લોબલ ટેલેન્ટને તક આપવી પડશે

ભારતમાં આર્થિક ક્ષેત્રે અધકચરા પ્રયોગ થયા. મોટા ભાગની વસતી પર આર્થિક નીતિઓની અસર નહીંવત્ છે. તેનું ભયંકર નુકસાન છે. દાખલા તરીકે ભારતીય ચલણની ક્યાંય માગ નથી. ભારતે પોતાનું ચલણ મજબૂત કરવાનો ઉપાય શોધવો જાઇએ, જેથી અન્ય દેશ તમારા ચલણમાં વેપાર કરવા ઇચ્છુક બને. આ માટે હોંગ કોંગની જેમ કરન્સી બોર્ડ બનાવી શકાય છે. તેનાથી રૂપિયો મજબૂત થશે.
મોટા ભાગના રોજગાર બિનસંગઠિત ક્ષેત્રમાં છે. તેનાથી સંકટના સમયે એ જાણવું મુશ્કેલ છે કે કોનો રોજગાર ગયો અને કોનો રોજગાર બચ્યો છે. વર્ષ ૧૯૬૫ પછી સુધી સિંગાપોર, સાઉથ કોરિયા, ચીન જેવા દેશ પણ ભારત કરતાં ગરીબ હતા અથવા ભારત જેવા હતા, પરંતુ આજે અંતર જોઇ લો. સિંગાપોર જેવા નેતૃત્વમાં વિશ્વસ્તરીય ટેલેન્ટને તક આપવાની વ્યવસ્થા બનાવવી પડશે. જ્યાં સુધી નેતૃત્વ યોગ્ય નહીં હોય, ત્યાં સુધી સંસાધનોનો ઉપયોગ યોગ્ય નહીં થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter