અંગોલા (નામિબિયા)ઃ આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે. આ અનોખા છોડનું નામ વેલ્વિચિયા છે. આ છોડ જે સાઉથ આફ્રિકામાં આવેલા વિશ્વના સૌથી ઉજ્જડ નામિબ રણમાં હજારો વર્ષો જીવિત રહે છે.
આફ્રિકા ખંડમાં તેને બે પાંદડાવાળો અમર છોડ કહેવામાં આવે છે. આ નામ પાછળનું કારણ છોડની ખાસ રચના છે. આ છોડ પર તેના સમગ્ર જીવનમાં ફક્ત બે પાંદડા જ ઉગે છે. નામિબ રણમાં વર્ષેદહાડે બે ઇંચથી પણ ઓછો વરસાદ પડે છે, છતાં આ છોડ 3,000 વર્ષ સુધી જીવે છે. વૈજ્ઞાનિકોએ તેના જીનોમનો અભ્યાસ કર્યો છે. તેઓ માને છે કે લગભગ 86 મિલિયન વર્ષો પહેલા, જ્યારે પૃથ્વી પર સૌથી મોટો દુષ્કાળ પડયો હતો, ત્યારે આ છોડના જીનોમે પરિસ્થિતિઓ અનુસાર પોતાને અનુકૂળ બનાવ્યા હતા. તેણે વિકટ કુદરતી સંજોગોમાં પણ પોતાનું અસ્તિત્વ ટકી રહે તે પ્રકારે મજબૂત બંધારણ વિકસાવ્યું અને પરિણામ સહુની નજર સામે છે.