ભાગલા સમયે વિખૂટા પડેલા બે ભાઈઓનું ૭૫ વર્ષે મિલન

Saturday 22nd January 2022 06:44 EST
 
 

લાહોર: ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે વિખૂટા પડી ગયેલા બે ભાઈઓનું ૭૫ વર્ષે લાગણીસભર મિલન થયું છે. બંને ભાઈઓનો પરિવાર દાયકાઓ પછી મળ્યો ત્યારે તેમની આંખોમાંથી હર્ષાશ્રુ વહેતા હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા થયા એ વખતે બહુ જ દર્દનાક સ્થિતિ સર્જાઈ હતી. એની કેટલીય કહાનીઓ દસકાઓ પછી પણ સામે આવતી રહે છે. ૮૪ વર્ષના સિદ્દિકી ખાન અને હબીબ ખાનની એવી જ લાગણીસભર દાસ્તાન જોઈને કેટલાયની આંખોમાં આસું છલક્યા હતા. નાસીર ધીલ્લોન નામના યુટયૂબરે વિખૂટા પડેલા બંને ભાઈઓનું મિલન કરાવ્યું છે. આ યુટયૂબર પંજાબ લહેર નામની યુટયૂબ ચેનલ ચલાવે છે અને એના માધ્યમથી એ અખંડ ભારતના પરિવારોનું મિલન કરાવે છે. આ ચેનલના માધ્યમથી નાસીર ધીલ્લોન અત્યાર સુધીમાં અખંડ ભારતના ૨૦૦ પરિવારોનું ફરીથી મિલન કરાવી ચૂક્યા છે. ભાગલા વખતે સિદ્દિકી ખાન અને હબીબ ખાન વિખૂટા પડી ગયા હતા. ૮૪ વર્ષના સિદ્દિકી ખાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહી ગયા હતા, જ્યારે હબીબ ખાન ઉર્ફે સિક્કા ખાન ભારતના પંજાબમાં રહેતા હતા. ભાગલાના કારણે બંને ભાઈઓ વિખૂટા પડી ગયા. એ પછી ક્યારેય તેમનું મિલન શક્ય બન્યું ન હતું. નાસીર ધીલ્લોનના પ્રયાસોથી બંને ભાઈઓનું મિલન થયું હતું. કરતારપુર કોરિડોરના માધ્યમથી પંજાબના લોકોને વિઝા વગર પ્રવેશ મળે છે. એ કોરિડોરના માધ્યમથી ભાગલા વખતે વિખૂટા પડેલા બે ભાઈઓનું લાગણીસભર મિલન થયું હતું. બંનેના પરિવારજનો આ સમયે હિબકે ચડયા હતા. બે ભાઈઓનું મિલન જોનારા દરેકની આંખમાં આસું છલકાઈ આવ્યા હતા. આ લાગણીસભર ઘટનાના વીડિયો અને ફોટો બંને દેશોના સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter