નાઈરોબીઃ ભારત અને કેન્યા વચ્ચે ફોરેન ઓફિસ કન્સલ્ટેશન્સ (FoC)નો ત્રીજો રાઉન્ડ નાઈરોબીમાં 3 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયો હતો. વિચારવિમર્શ ભારત સરકારના વિદેશ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી (ઈસ્ટ એન્ડ સધર્ન આફ્રિકા) જાનેશ કેઈન અને કેન્યાના ફોરેન એન્ડ ડાયસ્પોરા મિનિસ્ટ્રીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (એશિયા એને પાસિફિક ડાયરેક્ટોરેટ) એમ્બેસેડર જેન માકોરીની સહઅધ્યક્ષતામાં હતો.
કન્સલ્ટેશન્સની સાથે સાથે જાનેશ કેઈને પ્રિન્સિપાલ સેક્રેટરી ફોર ટ્રેડ રેજિના ઓમ્બામની શિષ્ટાચાર મુલાકાત લીધી હતી તેમજ યુનિવર્સિટી ઓફ નાઈરોબી ખાતે મહાત્મા ગાંધી લાઈબ્રેરીની પણ મુલાકાત લીધી હતી.
મંત્રણા દરમિયાન બંને પક્ષોએ રાજકીય વાર્તાલાપ, ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ, ડિફેન્સ અને સુરક્ષા સહકાર, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિકાસ સહકાર, એગ્રીકલ્ચર, હેલ્થ, કલ્ચર અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ સેક્ટરો સંદર્ભે દ્વિપક્ષી સંબંધોની ગહન સમીક્ષા કરી હતી. જોઈન્ટ કમિશન, જોઈન્ટ ટ્રેડ કમિટી અને જોઈન્ટ વર્કિંગ ગ્રૂપ ઓન એગ્રીકલ્ચરની બેઠકો વહેલી તકે યોજવા સંમતિ પણ સધાઈ હતી.
બંને પક્ષોએ આપસી હિતોના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પરત્વે મતોની આપ-લે કરી હતી તેમજ યુએન અને અન્ય બહુપક્ષી મંચો પર ગાઢ સંકલન અને સહકારને બિરદાવ્યા હતા. ભારતીય પક્ષે નવી દિલ્હીમાં આગામી AI ઈમ્પેક્ટ સમિટમાં કેન્યાના ઊચ્ચસ્ચરીય ડેલિગેશનની અપેક્ષા રજૂ કરી હતી. બંને પક્ષ ભારતમાં વેળાસર વાતચીતોનો આગામી રાઉન્ડ યોજવા સંમત થયા હતા.


