નવી દિલ્હીઃ ભારત 2025માં જ જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક એપ્રિલ 2025ની આવૃત્તિમાં જણાવાયું છે. ભારતનો નાણાકીય વર્ષ 2025-26 માટેનો જીડીપી 4,187.017 બિલિયન ડોલર રહેવાનો અંદાજ છે. આમ તે જાપાનના 4,186.432 બિલિયન ડોલરના જીડીપીને વટાવી જશે.
ભારત 2024 સુધી વિશ્વનું પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર હતું, પરંતુ ચાલુ વર્ષે જ તે વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, એવી આગાહી આઈએમએફે કરી છે. આગામી વર્ષોમાં ભારત જર્મનીને વટાવી જઈને વિશ્વનું ત્રીજા નંબરનું મોટું અર્થતંત્ર બની જશે. તેના પછી ભારતથી આગળ ફક્ત ચીન અને અમેરિકા જ હશે. ભારતનો જીડીપી 2028 સુધીમાં 5,584.47 બિલિયન ડોલર થઈ જાય તેવો અંદાજ છે. આ જીડીપી જર્મનીના 5, 251.92 બિલિયન ડોલર કરતાં વધારે હશે. ભારત 2027માં જ પાંચ ટ્રિલિયન ડોલરનું ઈકોનોમી બની જશે. આ સમયે ભારતનો જીડીપી 5,069.47 બિલિયન ડોલર હશે.
અમેરિકા અને ચીન 2025ના અંતે વિશ્વના ટોચના બે અર્થતંત્ર તરીકે જારી રહેશે. તેમનો 30,507.21 બિલિયન ડોલર અને 19,231.70 બિલિયન ડોલરનો જીડીપી જોતાં તેમને દોઢ દાયકા સુધી હલાવી શકે તેવી જરા પણ સંભાવના નથી. ભારત અને ચીન વચ્ચેનો જ હાલનો ગેપ ચાર ગણો છે. ચીનનું ઈકોનોમી ભારત કરતાં ચાર ગણું મોટું છે.