ભારત-ઓમાન મુક્ત વેપાર કરારનો અમલ શરૂઃ કારોબાર 13 બિલિયન ડોલરે આંબશે

ભારત માટે ઓમાન અખાત અને પૂર્વ આફ્રિકાનું પ્રવેશદ્વાર, વિશ્વસનીય ભાગીદાર

Wednesday 03rd June 2026 08:55 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત-ઓમાન વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ - મુક્ત વેપાર કરાર) સોમવાર - પહેલી જૂનથી લાગુ થઇ ગયો છે. આ કરારથી ભારતના 99 ટકા ઉત્પાદનોને ઓમાનમાં ડયુટી ફ્રી એક્સેસ મળશે. જેમા કાપડ, એન્જિનિયરિંગ, હીરા અને ઝવેરાતનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ભારતીય ગ્રાહકોને ઓમાની ખજૂર, પેટ્રોકેમિકલ્સ સહિતની ચીજવસ્તુઓ સસ્તી મળશે. એફટીએના પગલે બન્ને દેશો વચ્ચેનો હાલનો 11 બિલિયન ડોલરનો વેપાર 13 બિલિયન ડોલરનો આંક વટાવી જશે.

ભારતે કુલ ટેરિફ લાઇનમાં 77.79 ટકા જકાત રાહત પૂરી પાડી છે. જે મૂલ્યની રીતે ઓમાનમાંથી થતી ભારતની 94.81 ટકા આયાતને આવરી લે છે. આમ ઓમાન અને ભારત વચ્ચે મોટાભાગના ઉત્પાદનોની આયાત-નિકાસ જકાતમુક્ત બની જશે. તેમાં ખજૂર, માર્બલ્સ અને પેટ્રોકેમિકલ્સ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.
 
કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) ભારતથી ઓમાનમાં થતી 99.38 ટકા નિકાસને ડયુટી-ફ્રી એક્સેસ પૂરું પાડે છે. તેની સામે ઓમાનમાંથી ભારતમાં થતી 98.08 ટકા નિકાસને પણ ડયુટી ફ્રી એક્સેસ પૂરુ પડાયું છે. સીઇપીએમાં છ દેશ ઓમાન, કતાર, બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા અને યુએઈનો સમાવેશ થાય છે. હાલ અમેરિકા-ઇરાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષના કારણે બીજા દેશો સાથેના સીઇપીએનો અમલ થઈ શકે તેમ નથી.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે ઓમાન વિશ્વસનીય ભાગીદાર છે. તે ભારત માટે અખાત અને પૂર્વ આફ્રિકાનું પ્રવેશદ્વાર છે. તેના લીધે શ્રમલક્ષી ક્ષેત્રોને ફાયદો થશે. રોજગાર સર્જન થશે, મૂડીરોકાણને વેગ મળશે. ભારતીય કંપનીઓને માર્કેટ એક્સેસ મળશે.
ગોયલે જણાવ્યું હતું કે બન્ને દેશ વચ્ચે 2025-26માં 11.18 બિલિયન ડોલરનો કારોબાર થયો હતો. હવે આ કરારના માધ્યમથી નજીકના ભવિષ્યમાં જ દ્વિપક્ષી કારોબાર 13 બિલિયન ડોલરે પહોંચશે તેમ મનાય છે. ઉલ્લેખનીય છે કે ઓમાનમાં સાત લાખ ભારતીયો વસે છે અને દર વર્ષે તેઓ બે બિલિયન ડોલરનું રેમિટન્સ પણ મોકલે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter