નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને બન્ને દેશો પ્રગતિના પંથે આગેકૂચ કરી રહ્યા હોવાનું વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું. ખાસ કરીને મહત્ત્વનાં ખનિજો તેમજ વોટર મેનેજમેન્ટ અને રિન્યુએબલ ઊર્જાના સંદર્ભમાં બંને દેશો વચ્ચેના સંબંધો ઝડપથી આગળ વધી રહ્યા છે. બંને દેશો વચ્ચે આર્થિક સુરક્ષા માટે વહેલીતકે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કો-ઓપરેશન એગ્રીમેન્ટ (CECA) સમજૂતી મહત્ત્વની હોવાનો મોદીએ દાવો કર્યો હતો.
સોમવારે યોજાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વર્ચ્યુઅલ સમિટમાં નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સ્કોટ મોરિસન સાથે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઈન્ડો-પેસિફિક વિસ્તારને મુક્ત કરવા, ખુલ્લો મૂકવા તેમજ સૌના માટે સમાવેશી કરવા બંને દેશો વચ્ચેનો સહયોગ મહત્ત્વનો હોવા પર ભાર મૂકાયો હતો.
અગાઉની બેઠકમાં બંને દેશોએ સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો હતો. આ વખતે તે દિશામાં થયેલી પ્રગતિ અંગે મોદીએ આનંદ વ્યક્ત કર્યો હતો.
અનેક ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ
મોદીએ કહ્યું કે બંને દેશ વચ્ચેની સમિટ સંબંધોની સતત સમીક્ષા માટે સ્ટ્રકચરલ સિસ્ટમ તૈયાર કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો દ્વારા અનેક ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ સધાયો છે. ખાસ કરીને વેપાર અને રોકાણો, સંરક્ષણ તેમજ સુરક્ષા, શિક્ષણ અને સંશોધન તેમજ સાયન્સ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ગાઢ સહયોગ પ્રસ્થાપિત કરાયો છે. મોદીએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે વેપાર વધારવા અને તેને વધુ સુરક્ષિત કરવા માટે વહેલી તકે કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ જરૂરી છે.
રશિયાને જવાબદાર ઠેરવો: મોરિસન
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને ચર્ચામાં રશિયા દ્વારા યૂક્રેન પર આક્રમણનો મુદ્દો ઉઠાવ્યો હતો. યૂક્રેનમાં નરસંહાર માટે રશિયાને જવાબદાર ઠેરવવા માગણી કરી હતી. યૂક્રેનના હજારોનાં મોત ભયાનક હોવાનું તેમણે જણાવ્યું હતું. કવોડ સંગઠનમાં પ્રગતિની તેમણે પ્રશંસા કરી હતી અને રશિયા દ્વારા યૂક્રેન પર ગેરકાયદે આક્રમણનો મુદ્દો ચર્ચવા ભાર મૂક્યો હતો. ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીન સહિત અન્ય દેશોની દખલગીરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ક્વોડ દેશોએ યૂક્રેન પર રશિયાનાં આક્રમણમાં ભારતની તટસ્થ નીતિ અને સ્થિતિનો સ્વીકાર કર્યો હતો. રશિયા અને યૂક્રેનને મંત્રણા દ્વારા સમસ્યા ઉકેલવા મોદીએ કરેલી અપીલને ક્વોડ દેશોએ આવકારી હતી.
રશિયા મામલે ભારતની સ્થિતિ સ્વીકાર્ય: ઓસ્ટ્રેલિયા
રશિયા સાથે ભારતીય સંબંધોના મોરચે અમેરિકા પછી ઓસ્ટ્રેલિયાનું પણ ભારત પ્રત્યે કૂણું વલણ જાહેર થયું છે. સોમવારે ક્વાડ દેશોની વર્ચ્યુઅલ બેઠક પૂર્વે ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના હાઇ કમિશનર બેરી ઓ ફેરેલે જણાવ્યું હતું કે ક્વાડ દેશોએ ભારતની સ્થિતિનો સ્વીકાર કર્યો છે અને તેના રશિયા સાથેના સંબંધોના કારણે ક્વાડ દેશોના ભારત સાથેના સહયોગ પર કોઇ અસર નહીં થાય.


