ભારત-ચીન વચ્ચે સૈન્ય સંઘર્ષ

પાકિસ્તાનની માફક ચીન સાથે ભલે ભારતને વારંવાર સંઘર્ષ થતો ન હોય, પરંતુ કેટલાય પ્રસંગો એવા જરૂર બન્યાં છે જ્યારે બંને દેશોની સેના સક્રિય થઈ હોય.

Wednesday 24th June 2020 07:09 EDT
 
 

પાકિસ્તાનની માફક ચીન સાથે ભલે ભારતને વારંવાર સંઘર્ષ થતો ન હોય, પરંતુ કેટલાય પ્રસંગો એવા જરૂર બન્યાં છે જ્યારે બંને દેશોની સેના સક્રિય થઈ હોય.

• ૧૯૬૨ઃ સૌથી મોટો સંઘર્ષ ૧૯૬૨માં થયો હતો. ૧૯૪૭માં અંગ્રેજોએ ભારત છોડ્યું એ સાથે જ ચીને તિબેટ સુધી પહોંચાડતો ૧૨૦૦ કિમીનો લાંબો રસ્તો તૈયાર કરીને આક્રમણની તૈયારી કરી લીધી હતી. ચીનના વડા પ્રધાન ચાઉ એન લાઈ અને જવાહરલાલ નેહરુ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી. બીજી તરફ ચીને ચૂપચાપ હુમલો કરી દીધો હતો. તેમાં ભારતના ૩૦૦૦ સૈનિકો ઘાયલ અથવા શહીદ થયા હતા. ચીનને ૭૦૦ સૈનિકોનું નુકસાન થયું હતું.
• ૧૯૬૭–૧૯૬૭ઃ સિક્કિમમાં આવેલા નાથુલા પાસ પર બંને દેશો વચ્ચે માથાકૂટ થતાં ભારતના ૮૦ જેટલા સૈનિકો શહીદ થયા હતા. ચીનના ૩૫૦થી વધારે સૈનિકો માર્યા ગયા હતા.
• ૧૯૭૫ઃ ઓક્ટોબરમાં તવાંગની તુલુંગ નદી ઓળંગીને ચીની સૈનિકો ભારતમાં ઘૂસી આવ્યા હતા. અને ચાર ભારતીય સૈનિકોની હત્યા કરી હતી.
• ૨૦૧૩ઃ એપ્રિલમાં ચીને ઘૂસણખોરી કરીને દોલત બેગ ઓલ્ડી પાસે નવી ચોકી ઊભી કરી હતી. તેના કારણે બંને દેશો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં વાતચીતથી મામલો થાળે પડ્યો હતો અને બંને દેશોએ પોતાની સેના પાછી ખેંચી લીધી હતી.
• ૨૦૧૪ઃ સપ્ટેમ્બરમાં સરહદી ગામ દેમચોક ખાતે ભારતે કેનાલ બાંધવાનું શરૂ કર્યું હતું. ચીને તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. એ વખતે ૩ અઠવાડિયા સુધી બંને દેશની સેના સામસામી લડવા તૈયાર ઊભી રહી હતી.
• ૨૦૧૫ઃ લદ્દાખના બુર્ટિસ વિસ્તારમાં ચીને ગેરકાયદે વોચટાવર ઊભો કર્યો હતો. ભારતીય સેનાએ તોડી પાડતાં બંને દેશ વચ્ચે ઘર્ષણ થયું હતું.
• ૨૦૧૭ઃ ભુતાનના દોકલામમાં ચીની સેનાએ ગેરકાયદે જમાવડો કરતાં ભારતે પણ મોટી સંખ્યામાં સૈન્ય ઉતાર્યું હતું. સવા બે મહિના સુધી સ્થિતિ તણાવપૂર્ણ રહી હતી.
• ૨૦૧૭ઃ પેંગોંગ સરોવરના કાંઠે ભારત-ચીનના સૈન્ય વચ્ચે હાથોહાથની અથડામણ થઈ હતી. બંને દેશના સૈનિકો ઘાયલ થયા હતા.

શું હવે ચીનની નજર આંદામાન પર છે?

એલએસી પર આવેલી ગલવાન ખીણમાં ચીને સીધો હુમલો કરી દીધો છે. સામાન્ય રીતે કોઈ પણ સેના પોતાના આક્રમણનો પ્લાન ખુલ્લો થવા દે નહીં. ચીને ત્યાં સળી કરી તેનો એક અર્થ એવો પણ કરી શકાય કે ચીનની નજર ક્યાંક  બીજે છે. આંદામાન પર વર્ષોથી ચીનની નજર છે. આંદામાન સમુદ્ર આસપાસ ચીની નૌકાદાળના જહાજો-સબમરીનો પણ ક્યારેક ક્યારેક પસાર થતાં હોય છે. ચીને સાઉથ ચાઈના સમુદ્રમાં અનેક કૃત્રિમ ટાપુઓ સર્જી દીધા છે. ઈન્ડિયન ઓશન રિજિયનમાંથી સાઉથ ચાઈના સી તરફ જવાનો મહત્ત્વનો રૂટ આંદામાન ટાપુ પાસેથી પસાર થાય છે. આથી આ ટાપુ પોતાનો હોવાનો દાવો પણ ચીન કરી શકે છે. ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાન પણ એલઓસી પર આ રણનીતિ અપનાવે છે. પાકિસ્તાન એક સ્થળે ફાયરિંગ શરૂ કરે ત્યારે દૂરના બીજા કોઈ સ્થળેથી આંતકી ઘૂસવા તૈયાર બેઠાં હોય છે. અલબત્ત, ભારતે એ વિસ્તારમાં પહેલેથી જ પેટ્રોલિંગ વધારી દીધું છે અને જહાજો ખડકી દીધા છે. આમ અત્યારે નહીં તો ભવિષ્યમાં પણ ગલવાન જેવો સંઘર્ષ આંદામાન સમુદ્રમાં થવાની શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter